Mysamachar.in-ગાંધીનગરઃ
રાજ્યમાં ફરી એકવાર હેલ્મેટને લઇને ભારે ચર્ચા જાગી છે. હેલ્મેટને લઇને છૂટછાટ આપી રૂપાણી સરકાર ચારેયબાજુથી ફસાઇ હોઇ તેમ લાગી રહ્યું છે. કેમ કે કોર્ટમાં ફટકાર બાદ હવે રાજ્યના પરિવહન મંત્રી આર.સી ફળદુએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવાનું રહેશે. આ અંગે અમે કેન્દ્ર સરકારને રાજ્યના શહેરી વિસ્તારોમાં હેલ્મેટમાંથી મુક્તિ આપવા માટે પત્ર લખ્યો છે, જે મામલે હવે કેન્દ્ર સરકાર જે નિર્ણય લેશે તે અંતિમ ગણાશે. ઉલ્લેખનીય છે કે હેલ્મેટના કાયદાને લઇને રૂપાણી સરકાર હજુ અસમંજસમાં હોય તેમ લાગી રહ્યું છે. પહેલા મોટાઉપાડે હેલ્મેટના કાયદાને શહેરી વિસ્તારમાં મરજીયાત કરવાની જાહેરાત કરી, બાદમાં કોર્ટે કાન પકડતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ કાયદો થોડા સમય માટે જ મોકૂફ રાખવામાં આવ્યો છે,પણ કાયદો કાઢી નાંખવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રાજ્યના શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં હેલ્મેટ મરજીયાત કરવા પર સુપ્રીમ કોર્ટે બનાવેલી રોડ એન્ડ સેફ્ટી કાઉન્સિલે રાજ્ય સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો. જેના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે અમે કાયદાની મર્યાદામાં રહીને આ નિર્ણય લીધો છે. માર્ગ સલામતીના કાયદામાં રાહત આપવાનો તેમને અધિકાર છે. જો રાજ્યમાં આ કાયદાની જરૂરિયાત ઉભી થશે તો તેને ફરી ફરજીયાત લાગુ કરવામાં આવશે.
ગુજરાતમાં લાગુ થશે રાષ્ટ્રપતિશાસન ?
હેલ્મેટના કાયદાને લઇને કેન્દ્ર સરકાર મક્કમ છે, એવામાં વાત બંધારણીય જોગવાઇની કરીએ તો બંધારણમાં જણાવ્યા પ્રમાણે જો કોઈ રાજ્ય સરકાર કાયદામાં ફેરફાર કરે તો રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવી શકે છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટના કાયદામાં ઢીલાશ અપાઈ હતી. આમ કેન્દ્રની આક્રમતા બાદ રાજ્ય સરકારે ફરીથી હેલ્મેટનો કાયદો ફરજીયાત કરી દીધો છે. નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી પર કેન્દ્રનું કડક વલણ જોવા મળ્યું હતું.