Mysamachar.in-અમદાવાદઃ
પ્રાણીઓ પ્રેમ દાખવવો સારી બાબત છે, પરંતુ આ પ્રાણીઓને કારણે જેલ જવાનો વારો પણ આવી શકે છે. અમદાવાદ કોર્ટમાં ચાલેલા એક કેસમાં કોર્ટે પાળતું કતરાના માલિકને એક વર્ષની સજા ફટકારી છે. કેસની વિગત એવી છે કે, ઘોડાસર આશાપુરી સોસાયટીમાં રહેતાં ભદ્રેશ પંડ્યાએ શક્તિ નામનું કૂતરું પાળ્યું હતું. આ કૂતરાના માલિક ભદ્રેશ પંડ્યાએ વર્ષ 2021થી 7-2-2014 સુધી જાહેરમાં ભય ફેલાય તે રીતે કૂતરાને છૂટો મૂકી દીધો હતો. જે દરમિયાન કુતરાંએ જય પટેલ, વ્યોમ કાયસ્થ, તક્ષીલ પટેલ અને અવિનાશ પટેલ એમ ચાર લોકોને બચકાં ભરી ઈજા પહોંચાડી હતી. જે અંગે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે શક્તિ કૂતરાના માલિક ભદ્રેશની ધરપકડ કરીને કોર્ટમાં કેસ મૂક્યો હતો. જે કેસ ચાલતાં સરકારી વકીલ એમ.એ.મેકવાને 15 સાક્ષી અને સાત દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેના આધારે કેસ સાબિત થયો હતો. કેસ ચાલી જતાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે આરોપીને ગુનેગાર ઠેરવીને એક વર્ષની કેદ અને 3 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
કોર્ટે શું નોંધ્યું ?
સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું છે કે, સમાજમાં આ પ્રકારના કૂતરા પાળતાં હોય તેમનાં અંકુશમાં ન રહેવાથી શું પરિણામ નિપજે તે અંગે પશુ કે કૂતરા પાળતાં હોય તો તેને નિયંત્રણમાં રાખવા પડે. કૂતરાથી બીજાની જિંદગી કે શારીરિક સલામતી જોખમાય તે રીતે વ્યથા કે મહાવ્યથા પહોંચાડનારું પૂરવાર થયું છે. ત્યારે તે કૃત્ય બેફામ રીતે કે બેદરકારીથી કરેલ હોય તો તે માટે તે વ્યક્તિ જવાબદાર થાય. આરોપીનો કૂતરો ડોબરમેન હતો તેને છૂટો રાખ્યો તે આરોપીની બેદરકારી ગણાય.