Mysamachar.in-અમદાવાદઃ
આજે શેરબજાર બંધ થવા સુધીમાં માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. ખાસ કરીને સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. બુલિયન માર્કેટમાં કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળો આવ્યો છે, વૈશ્વિક બજારમાં સોનાના ભાવ આશરે 1 ટકા વધી ઔંસ દીઠ 1,543.66 ડોલર થયા છે. દિલ્હી સર્રાફા બજારમાં સોનાના ભાવોમાં આશરે રૂપિયા 800 જ્યારે ચાંદીના ભાવમાં પણ રૂપિયા 800નો ઉછાળો આવ્યો છે. માર્કેટમાં ઉથલપાથલ થવા પાછળનું મુખ્ય કારણ અમેરિકા દ્વારા હવાઇ હુમલામાં ઇરાનના જનરલ કાસિમ સુલેમાનીનું મોત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. છેલ્લા બે સપ્તાહમાં ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના 10 ગ્રામ દીઠ ભાવમાં આશરે 2000નો ઉછાળો આવ્યો છે. આજે મુંબઈ ખાતે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 838 એટલે કે 2 ટકા વધી રૂપિયા 40,115 થયા હતા. જ્યારે ચાંદીના ભાવ 800 રૂપિયા વધી 47,836 રૂપિયા થયા હતા.
અમેરિકાના હવાઇ હુમલામાં ઈરાનની વિશેષ સેનાના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું છે. હવે અમેરિકા-ઈરાન વચ્ચે સંબંધ તંગ બને તેવી પૂરી શક્યતા છે, આ સંજોગોમાં સેફ હેવન તરીકેની ઓળખ ધરાવતા સોનાના ભાવોમાં આજે તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. તો આ તણાવની સીધી અસર આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારમાં જોવા મળી છે. ક્રુડના ભાવ આશરે 4 ટકા ઉછળી 70 ડોલર થયા હતા. બજાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીયસ્તરે ઈરાન દ્વારા અમેરિકા સામે પ્રતિક્રિયા આપે તેવી દહેશત વચ્ચે ક્રુડ, સોના-ચાંદીમાં આ ઉછાળો જોવા મળ્યો હતો. આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થાય તો નવાઇ નહીં.