Mysamachar.in-અમદાવાદઃ
આંતરરાજ્યમાં ચાલતી માનવ તસ્કરીનો રવિવારે પર્દાફાશ કરવામાં આવ્યો જેમાં સુરતના પુણા વિસ્તારમાંથી 134 બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. હવે આ મામલે આંખમાંથી આસું લાવી દે તેવો ઘટસ્ફોટ થયો છે. બાળકોને છોડાવીને તેમને પરત પોતાના વતન મોકલવાનો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ આ બાળકોમાંથી 70 બાળકોના માતા-પિતા જ નથી ! એટલે આ બાળકોને સાચવનાર કોઇ જ નથી. માતા-પિતા ન હોવાથી તેમના વાલીઓ દ્વારા પૈસાની લાલચે અન્ય રાજ્યમાં મજૂરી અર્થે મોકલવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાન અને ગુજરાત બાળ આયોગ દ્વારા ગુપ્તરાહે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં અન્ય રાજ્યમાંથી લાવવામાં આવેલા બાળકો પાસેથી સુરતના પુણા વિસ્તારમાં સાડીના કારખાનામાં દિવસ-રાત તનતોડ મહેનત કરાવવામાં આવતી હોવાનું ખુલ્યું હતું.
સુરતમાંથી જે બાળકોને છોડાવવામાં આવ્યા તેમાંથી 125 બાળકો રાજસ્થાનના હતા. જેમને રાજસ્થાન મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે બીજા બાળકો ઝારખંડ અને બિહારના છે તે રાજ્યોને પણ જાણ કરવામાં આવી છે. હાલ બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ તેમની સ્થિતિ કેવી હતી તે અંગે જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે રાજસ્થાનની ટીમે ગુજરાતની ટીમ અને પોલીસની મદદ પણ હતી. વર્ષોથી ચાલતા મસમોટા માનવ તસ્કરીના ગોરખધંધામાં કોણ કોણ સામેલ છે અને કેવી રીતે આ સમગ્ર રેકેટ ચાલતું હતું તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.