Mysamachar.in-અમદાવાદઃ
જેલના ભજીયા વિશે તમે સાંભળ્યું કે સ્વાદનો આનંદ માણ્યો જ હશે, પરંતુ શું તમને જેલના ભજીયાની કેવી રીતે શરૂઆત થઇ હતી અને કોણે શરૂઆત કરી હતી એ અંગે માહિતી છે ખરી ? નથી ને, જેલના ભજીયાની શરૂઆત વર્ષ 1997માં અમદાવાદમાં આશ્રમ રોડ પર સુભાષબ્રીજ નીચે થઇ હતી, આ ભજીયા બનાવનારનું નામ હતું ચંદુભાઇ પ્રજાપતિ, જેલના અધિકારીઓ અને કેદીઓમાં ચંદુભાઇએ બનાવેલી ફરસાણની આઇટમો દાઢે વળગી હતી. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ જેલના ભજીયાની શરૂઆતના બે દિવસમાં જ 70,000 રૂપિયાનો વકરો થયો હતો. ચંદુભાઇ પ્રજાપતિનું ગુરુવારે લાંબી માંદગી બાદ અવસાન થયું છે. પરંતુ તેમણે બનાવેલા ભજીયા લોકોની દાઢે વળગ્યા હતા.
જેલના ભજીયાની શરૂઆત કરનાર ચંદુભાઇ 1980ના દાયકામાં સક્રિય બાબુભૈયા ગેંગના સાગરિત હતા. કુખ્યાત બાબુભૈયા તથા તેની ગેંગ દ્વારા અમદાવાદમાં મણીનગરમાં ત્રણ હત્યાને અંજામ આપાયો હતો, આ કેસમાં ચંદુભાઇ પ્રજાપતિ સહિત 8 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ ચાલી જતાં આરોપીઓને 14 વર્ષની સજા પડી હતી. મૂળ સુરેન્દ્રનગર પાસે આવેલા ધ્રાંગધ્રાના વતની ચંદુભાઇને સાબરમતી જેલની બેકરીમાં વિવિધ ફરસાણ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું. આ કામમાં ચંદુભાઇ એટલા નીપુણ હતા કે તેમણે બનાવેલી ફરસાણની આઇટમ ખાવા કેદીઓ અને જેલ અધિકારીઓ પડાપડી કરતાં હતા.
આવી રીતે થઇ શરૂઆત
આ દરમિયાન વડોદરામાં એક કાર્યક્રમ યોજાયો, જેમાં સાબરમતી જેલના કેદીઓને પણ લઇ જવાયા હતા. કાર્યક્રમ દરમિયાન જેલ અધિકારીએ હળવાશમાં ચંદુભાઇને કોઇ સરસ નાસ્તો તો કરાવવાનું કહ્યું. ચંદુભાઇએ ભજીયા બનાવી ખવડાવ્યા. આ ભજીયાની સોડમ એટલી શ્રેષ્ઠ હતી કે ભજીયા તેમની દાઢે વળગી ગયા અને વિચાર આવ્યો કે કેદીઓ દ્વારા આ ભજીયા બનાવી જાહેર જનતાને વેચવામાં આવે તો સારી આવક મળી રહેશે. આ વિચાર બાદ 1997માં સુભાષબ્રીજના નાકે જેલના ભજીયાનો સ્ટોલ નાખવામાં આવ્યો. કેદીઓની દુકાન જોઇ લોકો ઉભા રહેતા અને ભજીયાનો સ્વાદ માણતા, ચંદુભાઇના હાથના બનાવેલા ભજીયા એકવાર ચાખ્યા બાદ વારંવાર ખાવાનું મન થતું જ. તેથી જ તો દુકાનની શરૂઆતના બે દિવસમાં જ રૂપિયા 70 હજારનો વકરો થતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. બસ ત્યારથી જેલના ભજીયા શહેર, જિલ્લામાં ખ્યાતિ મેળવી લીધી.
અમદાવાદમાં ભવ્ય સફળતા મળ્યા બાદ અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારે જેલના કેદીઓ દ્વારા શહેરમાં સ્ટોલ રાખી ગાંઠિયા, ભજીયા તથા અન્ય ફરસાણ વેચવાનું શરૂ કરવામાં આવ્યું. જો કે જેલના ભજીયાના આ સુવર્ણ શરૂઆત કરનારા ચંદુભાઇ પ્રજાપતિનું ગુરુવારે લાંબી માંદગી બાદ અવસાન થયું છે. ગુનો કરીને જેલમાં આવેલા ચંદુભાઇએ પોતાની આવડતના કારણે લોકોમાં અને ખાસ કરીને જેલમાં સજા ભોગવતા કેદીઓમાં હંમેશા યાદ રહેશે.