Mysamachar.in-અમદાવાદઃ
અમદાવાદમાં વાસણા વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક વ્યક્તિએ ગોડાઉનમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવાન પુત્રના આ પગલાથી પરિવાર પણ સ્તબ્ધ થઇ ગયો, બાદમાં આપઘાત અંગે તપાસ કરી રહેલી પોલીસ ટીમને એક પછી એક રોચક માહિતી મળતી ગઇ અને આત્મહત્યા કરવા દૂષપ્રેરણાથી કરી હોવાનું બહાર આવ્યું. જેમાં સૌથી રોચક માહિતી આપઘાત કરનાર યુવકના મોબાઇલમાંથી ખુલી હતી. જેમાં યુવકે છેલ્લો મેસેજ તે જ્યાં નોકરી કરતો હતો તે શેઠને કર્યો હતો. મેસેજમાં યુવકે લખ્યું હતું કે શેઠના કહેવાથી તેણે તેનાથી ડબલ ઉંમરની શેઠાણી સાથે પ્રેમ સંબંધ રાખ્યા, શેઠે કીધું તો પ્રેમ સંબંધ તોડી પણ નાખ્યા, છતા તેને હેરાન કરવામાં આવતો હતો.
વાસણામાં મંડપ ડેકોરેશનનો ધંધો કરતા નિ:સંતાન દંપતી પૈકી પત્નીને બદનામ કરવા માટે પતિએ તેમના જ કર્મચારીને પત્ની સાથે પ્રેમ જાળમાં ફસાવવા કાવતરું ઘડ્યાનું બહાર આવ્યું છે. ગોમતીપુરમાં રહેતો ધીરજ ઉર્ફે નિખિલ પરમાર વાસણા ચંદ્રનગર ખાતે આવેલા મહેન્દ્રભાઇ શાહના મણિભદ્ર સજાવટ નામના ડેકોરેશનના ગોડાઉનમાં 10 મહિનાથી નોકરી કરતો હતો. દરમિયાનમાં 14 જુલાઇ 2019ના રોજ ધીરજે ઘરે આવીને માતા-પિતા અને પરિવારના સભ્યોને કહ્યું હતું કે, મેં નોકરી છોડી દીધી છે, જે વિશે માતા-પિતાએ પૂછતા ધીરજે કહ્યું હતું કે, સમયસર પગાર આપતા નથી અને શેઠ-શેઠાણી મારી સાથે ઝઘડો કર્યા કરે છે. જો કે બીજા જ દિવસે મહેન્દ્રભાઇએ ધીરજને ફોન કરીને ધંધાના કામથી રાજસ્થાન જવાનું કહીને બોલાવ્યો હતો, આથી ધીરજ તેમની સાથે ગયો હતો. ત્યારબાદ 20 જુલાઈએ રાતે અચાનક ધીરજે ગોડાઉનમાં જ ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
બાદમાં એક દિવસ પરિવારના સભ્યો ધીરજનો મોબાઇલ ચેક કરતા હતા, જેમાં કેટલાક સ્ફોટક મેસેજ મળી આવ્યા હતા. આ મેસેજ ધીરજે તેના શેઠ મહેન્દ્રભાઇ, શેઠાણી જ્યોતિબહેન અને તેમના કર્મચારી બાબુભાઇના નંબર પર કર્યા હતા. તે મેસેજમાં ધીરજે મહેન્દ્રભાઇને સંબોધીને સ્પષ્ટ લખ્યું હતું કે, ‘પ્લીઝ હવે રહેવા દો, કેમ હેરાન કરો છો, તમે કહ્યું એમ કર્યું, તમે કહ્યું જ્યોતિને પટાવી લે તો મેં એ કર્યું, તમે કીધું એને છોડી દે તો મેં છોડી દીધી, મારા પગારની ડાયરી તમે ફાડી નાખી અને કહ્યું પગાર નહીં મળે તો પગાર પણ છોડી દીધો. આમ બધું જ કર્યું તો હવે કેમ પરેશાન કરો છો, હવે સહન નથી થતું પ્લીઝ રહેમ કરો, મારા ઉપર પ્લીઝ.’.આ મેસેજ ધીરજના પિતાએ પોલીસને આપ્યાં હતાં. જેના આધારે વાસણા પોલીસે મહેન્દ્રભાઇ અને જ્યોતિબહેન વિરુદ્ધ આત્મહત્યા કરવા દૂષપ્રેરણા કરી હોવા અંગે ગુનો નોંધ્યો છે.