Mysamachar.in-અમદાવાદઃ
મેટ્રો શહેર અમદાવાદમાં વધુ એક ઓનલાઇન છેતરપીંડિની ઘટના સામે આવી છે. આ વખતે ધૂતારાઓએ વૃદ્ધને નિશાન બનાવ્યા અને બેંક ખાતામાંથી 16.73 લાખ રૂપિયા ઉપાડી લીધા. સાયબર ક્રાઇમમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે શહેરના મણીનગર પૂર્વમાં આવેલી જયશુભલક્ષ્મી સોસાયટીમાં રહેતા નિવૃત 84 વર્ષિય કૌશિકરાય દેસાઇએ એક્સિસ બેંકમાં પોતાનું અને પત્નીનું ખાતું ખોલાવી આખા જીવનની કમાણીની બચત તેમાં સાચવીને રાખી હતી. પરંતુ તેઓ ઓનલાઇન છેતરપીંડિનો ભોગ બની ગયા.
કૌશિકરાયને 11 ડિસેમ્બરે બપોરના સમયે મોબાઇલ પર એક ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ રઘુકુમાર કુશવાહ આપી હતી, જે Paytmમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતું. કૌશિકરાય પણ પેટીએમનો ઉપયોગ કરતા હોવાથી વાત ધ્યાનથી સાંભળી. ફોન કરનાર રઘુકુમારે કહ્યું કે KYC કરવાનું બાકી છે, જો KYC નહીં કરાવો તો તમારું ખાતું બંધ થઇ જશે. મોબાઇલ રિચાર્જ, દવાઓના બિલ, લાઇટ બિલ વગેરે માટે ધક્કા ન ખાવા પડે તે માટે ઓનલાઇન સરળતા રહેતી હોવાથી કૌશિકરાય પેટીએમનો ઉપયોગ કરતાં હતા, જો પેટીએમ ખાતું બંધ થઇ જશે તો બધું કામ અટકી જશે તેવા ભયમાં આવી ગયા. આથી ફોન પર વ્યક્તિના કહેવા પ્રમાણે કૌશિકરાય કરવા લાગ્યા, જેમાં ફોન કરનાર રઘુરામે ગૂગલ પ્લે સ્ટોરમાંથી કેવાયસી પેટીએમ ડાઉનલોડ કરવા કહ્યું, જો કૌશિકરાયે કહ્યું કે આ એપ્લિકેશન સર્ચ નથી થતી, તો રઘુકુમારે કહ્યું કે લેપટોપ યૂઝ કરતાં હોય તો તે શરૂ કરો અને TeamViewer (આ એવો સોફ્ટવેર છે જેનાથી દૂર ગમે ત્યાં બેઠેલો વ્યક્તિ તમારું કોમ્પ્યુટર કે લેપટોપ ચલાવી શકે છે) શરૂ કરવાનું કહ્યું. જો કે કોઇ કારણોસર TeamViewer ચાલું ન થયું.
આટલા પ્રયાસો બાદ ફોન કરનાર રઘુકુમારે કહ્યું કે બેંકમાં જઇને કેવાયસી કરાવવું પડશે, જો કે કંપનીએ સિનિયર સિટિઝનોને તકલીફ ન પડે તે માટે કેવાયસી પ્રોસેસ ઓનલાઇન કરવાની સુવિધા ઉપલબ્ધ છે. આમ ધીમે ધીમે કૌશિકરાયને વિશ્વાસમાં લઇ રઘુકુમારે ઇન્ટરનેટ બેંકિંગના પાસવર્ડ, OTP સહિતના એક્સેસ મેળવી લીધા અને થોડી જ ક્ષણોમાં બેંકમાંથી 16.73 લાખ ઉપાડી લીધા. અંતે ખોટું થયાનું જાણવા મળતા કૌશિકરાયે સાયબર ક્રાઇમનો સંપર્ક સાધ્યો અને ફરિયાદ દાખલ કરાવી છે.