Mysamachar.in-અમદાવાદઃ
અમદાવાદ કોર્પોરેશનના ડેપ્યુટી સિટી એન્જિનિયર રૂપિયા એક લાખની લાંચ સ્વીકારતા રંહેહાથ ઝડપાયા છે. ડેપ્યુટી સિટી એન્જિનિયરે આવાસ યોજનાના મકાન ફાળવણી બાબતે પાંચ લાખ રૂપિયાની લાંચ માગી હતી, જેમાં રૂપિયા એક લાખ સ્વીકારવા જતાં ACBએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી લીધા હતા. આરોપી ડેપ્યુટી સિટી એન્જિનિયર મનોજ સોલંકી કોર્પોરેશનના ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. ફરિયાદીએ સરકારની ઈકોનોમીકલી વિકર સેકસન(EWS) હેઠળ ફાળવવામાં આવતા આવાસ મેળવવા માટે જરૂરી દસ્તાવેજ સાથે હાઉસિંગ વિભાગમાં અરજી કરી હતી. અરજી કર્યા બાદ લાંબા સમય સુધી મકાનની ફાળવણી ન થતાં કચેરીના ધક્કા શરૂ કર્યા હતા. આ દરમિયાન તેમની મુલાકાત લાંચિયા ડેપ્યુટી સિટી એન્જિનિયર સાથે થઇ.
મકાન ફાળવવી માટે તપાસ કરવા આવેલા ફરિયાદીની વાત ડેપ્યુટી સિટી એન્જિનિયરે સાંભળી, બાદમાં તકનો લાભ લઇને ડેપ્યુટી સિટી એન્જિનિયરે કહ્યું કે હું મારી ઓળખાણથી આ કામ કરાવી આપીશ, બદલામાં પાંચ લાખ રૂપિયા આપવા પડશે. આ પૈકી ફરિયાદીએ અઢી લાખ રૂપિયા પણ આપી દીધા તેમ છતા તેમનું કામ થયું નહીં. જેથી તેઓએ ડેપ્યુટી સિટી એન્જિનિયરને ફોન કરવાનું શરૂ કર્યું પરંતુ ફરિયાદીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. બાદમાં થોડા સમય બાદ અચાનક ડેપ્યુટી સિટી એન્જિનિયરએ ફરિયાદીનો સંપર્ક સાધ્યો અને 8 લાખ રૂપિયાની લાંચ માગી. જો કે એક વખત વિશ્વાસ ગુમાવી ચૂકેલા ફરિયાદીએ આ વખતે એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક સાધ્યો, ફરિયાદ મળતાં જ ACBએ છટકું ગોઠવ્યું અને જેવો ડેપ્યુટી સિટી એન્જિનિયર લાંચની 1 લાખ રૂપિયાની રકમ સ્વીકારે તુરંત રંગેહાથ ઝડપી લીધો.