Mysamachar.in-અમદાવાદઃ
અમદાવાદમાં એક એવું કૌભાંડ સામે આવ્યું છે જેના વિશે કોઇએ વિચાર્યું જ નહીં હોય, જીવ દયાના નામે જે ઘેટા-બકરા કતલખાને જતા રોકી સંસ્થાને સોંપવામાં આવ્યા હતા તે સંસ્થામાંથી જ ઘેટા-બકરા બારોબાર વેચવામાં આવતાં હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા શહેરમાં વિવિધ કાર્યવાહી દરમિયાન ઝડપેલા પશુઓને હાથીજણમાં આવેલા આશા ફાઉન્ડેશનમાં મુકવામાં આવે છે. પરંતુ આશા ફાઉન્ડેશન દ્વારા આ ઘેટા-બકરા રાણીપમાં આવેલી બકરામંડીમાં વેચી દેવામાં આવતા હતા. અંદાજે 1000 જેટલા ઘેટા-બકરા વેચી દેવા મામલે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આશા ફાઉન્ડેશનના જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ગત 4 ડિસેમ્બરે પોલીસે બે ટ્રક ભરાઇને ઘેટા-બકરા પકડ્યા હતા. જેમાંથી રામોલ પોલીસે 218 ઘેટા-બકરા આશા ફાઉન્ડેશનમાં મોકલી આપ્યા હતા. આ અંગે આશા ફાઉન્ડેશને નિયમ પ્રમાણે પહોંચ પણ આપી હતી. ત્યારબાદ 11 ડિસેમ્બરે રામોલ પોલીસે બાતમીના આધારે આશા ફાઉન્ડેશનમાં તપાસ હાથ ધરી હતી, જેમાં અંદાજે 1000 જેટલા ઘેટા-બકરા ઓછા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે જીવ દયા અંતર્ગત રાખવામાં આવેલા ઘેટા-બકરા વેચવા હોય તો પોલીસ તેમજ કોર્ટને જાણ કરવાની હોય છે, પરંતુ અહીં ઘેટા-બકરાને બારોબાર વેચી દેવાનું કૌભાંડ હોવાનું લાગી રહ્યું છે, ત્યારે સમગ્ર મામલે રામોલ, નરોડા અને ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.