Mysamachar.in-અમદાવાદઃ
વર્ષ 2019નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. આ વર્ષ અનેક ઘટનાઓને કારણે ચર્ચામાં રહેશે. ખાસ કરીને મોંઘવારી અને મંદીને કારણે જનતાની સ્થિતિ કફોળી બનાવી દીધી છે. ડુંગળીના ભાવને લઇને હાલ વેપારીઓથી લઇને ગૃહેણીઓ રોષ ઠાલવી રહ્યાં છે, એવામાં હવે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે. આવું એટલા માટે લાગી રહ્યું છે કે કારણ કે તેલનું ઉત્પાદન કરતાં દેશોના ગ્રૂપ્સે પ્રોડક્શન ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર દેખાશે. તેલના ભાવમાં આવેલા મોટા ઉથલ પાથલને કારણે ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પ્રેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ એટલે કે OPECના સભ્યોએ સાથે મળી નક્કી કર્યું છે કે પ્રતિદિન 5 લાખ બેરલનું ઉત્પાદન ઘટાડવામાં આવે. ઉત્પાદન ઘટવાને કારણે કાચા તેલના ભાવમાં પ્રતિબેરલ 4 ડોલરનો વધારો ઝીંકાઇ શકે છે. છેલ્લા કેટલાક સમયથી ડોલર સામે ઘટી રહેલી રૂપિયાની કિંમતને કારણે પેટ્રોલ-ડીઝલ મોંઘુ થઇ શકે છે. એક અંદાજ પ્રમાણે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 2નો વધારો આવી શકે છે.