Mysamachar.in-અમદાવાદઃ
લાખો ગુજરાતી ક્રિકેટપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતા એ મોટેરા સ્ટેડિયમ તૈયાર થવાના આરે છે, રૂપિયા 700 કરોડના ખર્ચે બનેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમના ઉદ્ઘાટનમાં BCCI કોઇ કસર બાકી રાખવા માગતું નથી. હાલમાં જ BCCIની યોજાયેલી જનરલ સભા બાદ પ્રમુખ સૌરવ ગાંગુલીએ મોટેરા સ્ટેડિયમને લઇને નિવેદન આપ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું કે માર્ચ 2020માં આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થઇ શકે છે. આ ઉદ્ઘાટન પ્રસંગે એશિયા-11 અને વર્લ્ડ-11 વચ્ચે મેચનું આયોજન કરી ભવ્ય ઉદ્ઘાટન થાય તેવી પૂરી સંભાવના છે. જો કે આ માટે હજુ ICC પાસે મંજૂરી માગવામાં આવી છે, પરંતુ વિશ્વાસ છે કે તેની મંજૂરી મળી જશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આકાર લઇ રહેલા વિશ્વના સૌથી મોટા આ સ્ટેડિયમની દર્શક ક્ષમતા 1 લાખ 10 હજારની છે. જેને બનાવવામાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અગાઉ આ સ્ટેડિયમની ક્ષમતા 53 હજાર હતી જેને તોડી વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. સ્ટેડિયમની ડિઝાઇન એવી છે કે કોઇ ખેલાડી બાઉન્ટ્રી ફટકારે તો સ્ટેડિયમમાં બેઠેલો કોઇપણ દર્શક નિહાળી શકશે. બીસીસીઆઈ હાલ ગુજરાત ક્રિકેટ એસોશિએશન પાસેથી સ્ટેડિયમ સંપૂર્ણ તૈયાર હોવાનો રિપોર્ટ મળે તેની રાહ જોઈ રહ્યું છે. 63 એકરમાં બનેલા આ સ્ટેડિયમમાં 50 રૂમ અને 73 કોર્પોરેટ બોક્સ પણ છે. આ મેદાન પર ભારતીય ખેલાડીઓએ યાદગાર રેકોર્ડ બનાવેલા છે.