Mysamachar.in-અમદાવાદઃ
રાજ્યની સરકારી નોકરી માટેની પરીક્ષા પદ્ધતિ પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. જો કે આ વખતે કોઇ વિદ્યાર્થીએ નહીં પરંતુ કોંગ્રેસે સીસીટીવી ફૂટેજ જાહેર કરી થોડા સમય પહેલા જ યોજાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થયાનો આક્ષેપ લગાવ્યો છે.કોંગ્રેસના ગુજરાત અધ્યક્ષ અમિત ચાવડાએ બિનસચિવાયલની પરીક્ષાના વિવિધ કેન્દ્રમાં થતી ગેરરીતિના CCTV ફૂટેજ પણ જાહેર કર્યા છે. સીસીટીવી ફૂટેજમાં દેખાઇ રહ્યું છે કે ચાલુ પરીક્ષામાં વર્ગખંડમાં ઉમેદવાર મોબાઇલ ફોનથી નકલ કરતો નજરે પડી રહ્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં ભરતી કૌભાંડ ચાલી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ યોજાયેલી બિન સચિવાલયની પરીક્ષા બાદ વ્હોટ્સએપમાં કથિત પેપરના જવાબના મેસેજ વાયરલ થયા હતા, જે અંગે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક કૌભાંડ બાદથી સતત યોજાઇ રહેલી સરકારી ભરતીઓની પરીક્ષા વ્યવસ્થાને લઇને રાજ્યના પરીક્ષા વિભાગ પર સવાલો ઉઠી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા સીસીટીવી ફૂટેજ બાદ પરીક્ષા રદ કરવામાં આવશે કે કેમ તે અંગે હાલ સરકારનું કોઇ નિવેદન આવ્યું નથી.