Mysamachar.in-અમદાવાદઃ
સમાજમાં નશાના અનેક દુષણ અસ્તિત્વમાં છે, માત્ર તેના પ્રકારો અલગ છે, સામાન્ય રીતે મેટ્રોસિટીમાં કોલેજીયન યુવક-યુવતીઓમાં ડ્રગ્સ, દારૂ જેવા વ્યસન હોવાનું જગજાહેર છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સમાજમાં એક એવું દુષણ આવ્યું છે જે બાળકોને ઝકળી અંધકારમાં ધકેલી દે છે. આ નશો છે વ્હાઇટનર અને પંક્ચર ટ્યૂબ નો… અમદાવાદમાં એક પિતાએ પોતાના બાળકને રંગેહાથ આ સસ્તામાં મળતા વ્હાઇટનરનો નશો કરતાં ઝડપી પાડ્યો અને વ્હાઇટનર વેચતા દુકાનદારને પોલીસ હવાલે કર્યો, જ્યાં દુકાનદારે સ્વીકાર્યું કે તેની પાસેથી અનેક કિશોર આવીને આ વ્હાઇટનર ખરીદે છે.
અમદાવાદમાં નરોડા કૃષ્ણનગરમાં રહેતા એક વ્યક્તિએ પોતાના 16 વર્ષના કિશોરને સફેદ રંગની ટ્યૂબમાંથી નશો કરતાં રંગે હાથ ઝડપી પાડ્યો હતો. જ્યારે તેણે બાળકની પૂછપરછ કરી તો તેણે ચોંકાવનારો જવાબ આપ્યો હતો, બાળકે જણાવ્યું કે જ્યાં સુધી આ ટ્યૂબ સૂંઘે નહીં ત્યાં સુધી તેને ચેન પડતો નથી. બાદમાં પુત્રએ જ્યાંથી આ વ્હાઇટનર ટ્યૂબ ખરીદી હતી ત્યાં પિતા પહોંચ્યા જે એક જનરલ સ્ટોર હતી. આ દુકાનમાલિકે પૂછપરછ કરવા આવેલા પિતાને ઉડાઉ જવાબ આપ્યો કે અહીં તો ઘણા બધા બાળકો આ વ્હાઇટનર ટ્યૂબ લઇ જાય છે. અમને ખબર નથી તે આ ટ્યૂબનું શું કરે છે. બાદમાં પિતાએ દુકાનદારની આવી વાત બાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે દુકાન માલિક પ્રફુલ જોશીની દુકાનમાંથી 58 વ્હાઇટનર કબજે કરી હતી અને તેની સામે આઇપીસી 284 અને કિશોર ન્યાય અધિનિયમ 25 મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.