Mysamachar.in-અમદાવાદઃ
હાલમાં જ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોએ જાહેર કરેલા ગુનાખોરીના આંકડામાં સાયબર ક્રાઇમના આંકડામાં નોંધપાત્ર વધારો થયો હોવાનું બહાર આવ્યું છે. સાયબર ક્રાઇમમાં રાજ્યમાં અમદાવાદ મોખરે છે, જ્યારે બીજા નંબર પર ઔદ્યોગિક સિટી સુરતનું સ્થાન છે. રિપોર્ટ પ્રમાણે સાયબર ક્રાઇમના ગુનામાં બે વર્ષમાં 90 ટકા જેટલો વધારો થયો છે. જેમાં ઓનલાઇન છેતરપીંડિ, ATM ક્લોનિંગ, વન ટાઇમ પાસવર્ડની ચોરી અને ખોટી રીતે પૈસા ખંખેરી લેવાની ફરિયાદોનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા સાયબર સેલની પણ સ્થાપના કરવામાં આવી છે, તેમ છતા દિવસે ને દિવસે ઇન્ટરનેટ અને ફોનની મદદથી બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જવાની ફરિયાદો નોંધાતી રહી છે, જો કે આ અંગે લોકોમાં જાગૃતતા ન હોવાને કારણે લેભાગુ તત્વો વધુ સફળ બન્યા હોય તેમ કહેવામાં આવી રહ્યું છે. ત્યારે અહીં એક્સપર્ટ દ્વારા કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જે ધ્યાનમાં રાખવાથી ATM ફ્રોડથી બચી શકાશે.
નિષ્ણાતનું કહેવું છે કે પૈસા ઉપાડવા જુદા જુદા એટીએમનો ઉપયોગ ટાળવો હિતાવહ છે. તો સૌથી મહત્વનું કે એટીએમમાંથી પૈસા ઉપાડતાં પહેલાં કાર્ડ નાખવાનો સ્લોટ ખાસ ચેક કરો, ઘણીવાર ભેજાબાજો આ સ્લોટની ડિઝાઈનમાં ફેરફાર કરી લેતા હોય છે અને આ સ્લોટની આસપાસ કેમેરા સંતાડેલા હોઇ શકે છે જે તમારા કાર્ડની વિગતો અને પીન ચોરી શકે છે. આથી જો તમને આ સ્લોટમાં કાંઇ ફેરફાર લાગે તો પૈસા ન ઉપાડો. આ સિવાય મોબાઇલમાં આવતી અજાણી લિંક પર ક્લિક ન કરવી. ઓનલાઈન શોપિંગમાં વેબસાઇટ એકવાર ચેક કરી લેવી ત્યારબાદ જ લિંક ખોલવી. સૌથી ખાસ કે તમારા મોબાઇલની એપ્લિકેશન ખાસ કરીને બેંકિંગ એપ અપ ટુ ડેટ રાખો અને બને તો ગૂગલ પ્લે સ્ટોરમાંથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરવી. આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખવાથી ઠગાઇનો ભોગ બનતા બચી શકાશે.