Mysamachar.in-અમદાવાદ:
આપને ત્યાં નકલી પોલીસ ઝડપાઈ જવાના કિસ્સાઓ તો અવારનવાર સાંભળવા મળતા હોય છે, પણ નકલી ઇન્કમટેક્સ ઓફિસરો ઝડપાઈ જવાની વાત આવે તો આપણે સ્પેશિયલ-૨૬ ફિલ્મની યાદ તાજી થઈ જાય…આવા જ નકલી આઈટી ઓફિસરનો ભાંડાફોડ અમદાવાદમાં થયો છે, અમદાવાદની ચાંગોદર પોલીસે 6 નકલી આઈટી અધિકારીઓની ધરપકડ કરી છે ,ઝડપાયેલા શખ્સો નકલી આઈટી અધિકારી બની ફરિયાદીના ઘરે પહોંચી ગયા હતા અને તેમના ઘરેથી 50 હજાર રુપિયા લઈ જતા રહ્યા હતા. આ સિવાય તેમણે સમાધાન પેટે ૧૦ પેટીની માંગ પણ કરી હતી.
ચાંગોદર વિસ્તારમાં ગત છ નવેમ્બરના રોજ 6 જેટલા શખ્સો નકલી આઈટી અધિકારી બની ફરિયાદી ફારુક ભાઈ મોમીનના ઘરે પહોચ્યા હતા, અને તેવોએ પોતાની ઓળખ ઇન્કમટેક્સ અધિકારીની આપી હતી, અને નકલી આઈ કાર્ડ બતાવી ઘરમાં સર્ચ ઓપરેશન કરવા લાગ્યા હતા. આરોપીઓએ ઘરમાં તિજોરી અને અન્ય વસ્તુઓ સર્ચ કરી ઘરમાંથી રુપિયા 50 હજાર લઈ નિકળી ગયા હતા અને ત્યાર બાદ પાછળથી ફોન કરી ફરિયાદી પાસેથી રુપિયા 10 લાખની માંગણી પણ કરી હતી, જે ફરિયાદીને શંકા જતા તેને આ મામલે ચાંગોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સ્પેશ્યલ ટીમો બનાવીને ગાંધીનગર નજીકથી નકલી ઇન્કમટેક્સ અધિકારીઓને ઝડપી પાડ્યા છે, અને ઝડપાયેલા તમામની સઘન પૂછપરછ હાલ પોલીસ દ્વારા કરાઈ રહી છે.