Mysamachar.in-અમદાવાદઃ
અમદાવાદમાં આવેલો બહુચર્ચિત નિત્યાનંદ આશ્રમને લઇને વિવાદ વકર્યો છે, થોડા સમય પહેલા જ અમદાવાદના આ આશ્રમમાં મૂળ બેંગલુરુની યુવતીને ગોંધી રાખવાનો કથિત વીડિયો ફરતો થયો હતો, જેને લઇને આ યુવતીના માતા-પિતા અમદાવાદ દોડી આવ્યા હતા, જ્યાં યુવતી સાથે મુલાકાત ન કરવા દેતા મામલો બિચક્યો હતો. તો હવે કહેવામાં આવી રહ્યું છે કે યુવતીએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે તે માતા-પિતા સાથે જવા તૈયાર નથી અને તે આશ્રમમાં જ રહેવા માગે છે. ત્યારે અચાનક સમગ્ર મામલે આવેલા નવા વળાંકથી હાલ પૂરતો વિવાદનો અંત આવ્યો છે, પરંતુ બહુચર્ચિત નિત્યાનંદ આશ્રમમાં યુવતીના વાયરલ વીડિયો પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે.તો બીજી બાજુ બાળ આયોગ પણ નિવેદન આપવાનું ટાળી રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ કથિત વીડિયોમાં બેંગલુરુની પુખ્તવયની યુવતીએ આક્ષેપ કર્યો હતો કે આશ્રમમાં તેની સાથે શારીરીક છેડતી થઇ રહી છે, વીડિયો બહાર આવ્યા બાદ બેંગલુરુમાં રહેતા યુવતીના માતા-પિતા દોડી આવ્યા હતા, જો કે અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમ ખાતે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો અને આશ્રમવાળાઓએ ગેઇટ બહાર તાળા મારી માતા-પિતાને યુવતીને મળવા ન દેવાતા વિવાદ સર્જાયો હતો. દક્ષિણ ભારતના પરિવારે પોતાની દિકરીને નિત્યાનંદના આશ્રમમાં મૂકી હતી, પરંતુ આશ્રમ સત્તાધીશોએ પરિવારના જાણ બહાર ત્યાંથી અમદાવાદના આશ્રમમાં ખસેડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ યુવતીને તેનાથી નાના અન્ય ત્રણ ભાઇ બહેનો છે. જેમાં એક બહેન વિદેશમાં રહે છે. જ્યારે અન્ય સૌથી નાનો ભાઇ અને બહેન પણ આ જ આશ્રમમાં હતાં. બંન્ને સગીર ભાઇ બહેનની કસ્ટડી માતાપિતાને ગઇકાલે જ વિવાદ બાદ સોંપવામાં આવી હતી. જ્યારે પુખ્ત દીકરીએ પરિવાર સાથે જવાની ના પાડતા સમગ્ર વિવાદનો અંત આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદનો આ આશ્રમ 6 મહિના પહેલા જ શરૂ થયો હતો. તો સમગ્ર મામલે બાળ આયોગનું કહેવું છે કે CWCના રિપોર્ટ બાદ જ કોઇ નિવેદન આપવામાં આવશે.