Mysamachar.in-અમદાવાદઃ
ફરી એકવાર શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે. સ્કૂલમાં બાળકો ખોટું ન કરવાના સંસ્કાર મેળવવા જતા હોય છે. પરંતુ આજ સ્કૂલમાં જો ગેરકાયદેસર કામગીરી ચાલતી હોય તો તેનાથી વધારે એકેય શરમજનક વાત નથી. અમદાવાદમાં પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં ચાલતા કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કરી છ યુવકોની ધરપકડ કરી છે. આ તમામ યુવકો વિદેશી નાગરિકોને ફોન કરી તેમની પાસેથી પૈસા ખંખેરતા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં સાયબર ક્રાઇમની ટીમે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન સ્કૂલમાં જ ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે, સ્કૂલમાંથી કોલ સેન્ટરમાં વપરાતી સામગ્રી અને છ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પુછપરછમાં બહાર આવ્યું કે આ કોલ સેન્ટર વિરાજ દેસાઇ નામના યુવકનું છે જે અન્ય યુવકો સાથે મળી ચલાવતો હતો. આ તમામ યુવકો વિદેશી નાગરિકોને રોજના 25થી 26 ફોન કરી લોન અપાવવાનું કહી છેતરપીંડિ કરતાં હતા. ધરપકડ કરાયેલા તમામ યુવકો કડકડાટ અંગ્રેજી બોલવામાં માસ્ટર છે અને દેખાવે વેલ એજ્યુકેટેડ લાગી રહ્યાં છે. આ યુવકોએ પોતાની વેબસાઇટ બનાવી છે અને ફોન પે મારફતે નાણા સ્વીકારતા હતા.