Mysamachar.in-અમદાવાદઃ
જામનગર સહિત દેશભરમાં એક ડિસેમ્બરથી ટોલનાકા પર ફાસ્ટેગ (FASTag) ફરજિયાત કરવામાં આવશે. માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વન નેશન વન ફાસ્ટેગની (One Nation One FASTags) શરૂઆત કરાવી છે, એક ડિસેમ્બરથી લાગુ થવા જઇ રહેલા આ નિયમ અંગે મોટાભાગના લોકોમાં ફાસ્ટેગ શું છે અને ક્યાંથી મળે તે અંગેની માહિતી જ નથી. હાલ ટ્રાફિક નિયમના કડક અમલવારીને કારણે ભારે વિરોધ થઇ રહ્યો છે તો બીજી બાજુ ટોલનાકા પર અચનાક નવા નિયમને કારણે લોકોમાં અનેક પ્રશ્નો સર્જાઇ રહ્યાં છે.
કેન્દ્ર દ્વારા હાઇવે પર આવતા ટોલનાકા પર 'વન નેશન વન ફાસ્ટેગ'ની (One Nation One FASTags) સ્કીમની શરૂઆત કરાવી દીધી છે. ફાસ્ટેગનો અર્થ સામાન્ય શબ્દોમાં સમજીએ તો આ એક પ્રકારનું રિચાર્જ કાર્ડ હશે, તમારે સમયાંતરે આ કાર્ડમાં રિચાર્જ કરાવવું પડશે, આ કાર્ડ તમને ટોલનાકા પરથી મળી રહેશે. દેશમાં કોઇપણ ટોલનાકા પરથી પસાર થશો ત્યારે તમે લાઇનમાં ઉભા રહ્યાં વગર જ પસાર થઇ શકશો અને ટોલટેક્ષ તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાંથી કપાઇ જશે. ફાસ્ટેગ એકાઉન્ટમાં તમે 100 રૂપિયાથી લઇને 1 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકશો. કાર્ડમાં જમા કરાયેલા રૂપિયા લાઈફટાઈમ સુધી જમા રહેશે.
-કેવી રીતે અને ક્યાંથી મળશે આ કાર્ડ
હાઈવે ઓથોરીટી દ્વારા તમામ ટોલનાકા પર ફાસ્ટેગના પ્રચાર માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં વાહન ચાલકોને ફાસ્ટેગ લેવા તથા તેના નિયમોની જાણકારી આપવામાં આવી રહી છે. ફાસ્ટેગ તમે ટોલનાકા, બેંક, રિટેલ પીઓએસ પોઇન્ટ, માય ફાસ્ટટેગ એપ્લિકેશન, ઇકોમર્સ વેબસાઇટ એમોઝોન વગેરે ત્યાંથી મેળવી શકશો, તો ફાસ્ટટેગ કઢાવવા માટે વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ચાલકનો પાસપોર્ટ સાઈઝ ફોટો અને આઈડી પ્રુફ તેમજ એડ્રેસ પ્રુફની ઝેરોક્ષની જરૂર પડશે.