Mysamachar.in-અમદાવાદઃ
જૂની-નવી વસ્તુઓ વેચવા માટેની ઓનલાઇન વેબસાઇટ OLX ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે એક યુવકે એક આઇપેડ વેચવા માટે મૂકયું હતું જેને ખરીદવા માટે એક વ્યક્તિ સોદો નક્કી કર્યા બાદ વેચનાર યુવકના ખાતામાંથી 66 હજાર રૂપિયા ખંખેરી લીધા. ઓનલાઇન વસ્તુની ખરીદી કરતાં લોકો માટે ચોંકાવનારો કિસ્સો બન્યો છે. શહેરમાં થલતેજમાં રહેતા જુગલ શાહે પોતાનું આઇપેડ વેચવા માટે OLX પર જાહેરાત કરી હતી. જેને ખરીદવા માટે રાહુલ નામના વ્યક્તિએ ફોન કર્યો. બાદમાં આ આઇપેડ 15 હજારમાં વેચવાનું નક્કી થયું. બાદમાં રાહુલે ફોન પેથી પેમેન્ટ કરવાની વાત કરી. જો કે ફોન પેમાં એક પછી એક ટ્રાન્જેક્શન કરી રાહુલે પૈસા આપવાના બદલે જુગલ શાહના ખાતામાંથી 66 હજાર ખંખેરી લીધા. બાદમાં અચાનક રાહુલનો ફોન બંધ આવવા લાગ્યો. જુગલને કાઇક ખોટું થયાનું અનુભવ થતા તેણે રાહુલ વિરુદ્ધ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી સાથે ટ્રાન્જેશન સહિતના પુરાવા પણ પોલીસને સોંપ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી રાહુલ નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે. બીજી બાજુ અજાણ્યા લોકો સાથે ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતાં લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો સાબિત થઇ શકે છે.