Mysamachar.in-અમદાવાદઃ
પોતાની મોહજાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવવાની હનિટ્રેપની વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે અમદાવાદના એક કાપડના વેપારીને સોશિયલ મીડિયા પર મહિલાનો સંપર્ક કરવા બદલ લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. યુવતી વેપારીને શારીરીક સંબંધ બાધવા માટે રિસોર્ટમાં લઇ ગઇ બાદમાં મળતિયાઓને બોલાવી વેપારી પાસે મોડસ ઓપરેન્ડીથી અઢી લાખ રૂપિયાની રકમ પડાવી લીધી. સમગ્ર મામલે વેપારીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ થઇ છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં રાજપુર ટોલનાકા પાસે રહેતો વેપારી એમ્બ્રોડરી જોબવર્કનું કામ છે, તેને મોબાઇલ પર અજાણી યુવતીનો વીડિયો આવ્યો, રોંગનંબરથી શરૂ થયેલો સીલસીલો ધીમે ધીમે આગળ વધ્યો અને બંને વચ્ચે કોફિશોપમાં મિટિંગ થવા લાગી. આ દરમિયાન વેપારીએ કહ્યું કે તે કાપડનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ યુવતીએ કહ્યું કે તેણીને પણ ડ્રેસ મટિરિયલનો વેપાર શરૂ કરવો છે આથી આશ્રમ રોડ પરના સિટી ગોલ્ડ સિનેમા પાસે વેપારીને બોલાવ્યો. જો કે અહીં પહોંચતા જ યુવતીએ વેપારની જગ્યાએ ફરવા જવાનું કહ્યું. રૂપમાં મોહી ગયેલા વેપારીએ કઇ વિચાર્યા વગર યુવતીને મહેસાણા પાસે આવેલા શંકુ વોટરપાર્કમાં જવાનું કહ્યું. વેપારીએ અહીં જવાની મનાઇ કરી તો યુવતીએ નજીકના એક રિસોર્ટમાં જવાનું કહ્યું. રિસોર્ટમાં પહોંચતા જ યુવતીએ પોતાના કપડાં કાઢી નાખ્યા અને શારીરીક સંબંધ બાંધવા વેપારીને લલચાવ્યો. જો કે મહિલા માસિકમાં હોવાથી વેપારીએ સંબંધ બાંધ્યો ન હતો.
બાદમાં વેપારી અને યુવતી રિસોર્ટમાંથી નીકળી અમદાવાદ તરફ રવાના થયા એટલામાં રસ્તામાં યુવતીએ કહ્યું કે તેને ઉલટી થાય છે. આથી વેપારીએ કાર રોકી હતી. આ દરમિયાન એક કાર પણ આવી પહોંચી જેમાં સવાર કેટલાક શખ્સોએ વેપારીનું અપહરણ કરી ત્રિમંદિર પાસે લઇ આવ્યા. અહીં વેપારી પાસે રૂપિયા 10 લાખની માગણી કરવામાં આવી જો કે એટલા પૈસા ન હોવાથી વેપારીએ મનાઇ કરી, ત્યારબાદ વેપારીએ તેના ભાઇને ફોન કરી અઢી લાખ રૂપિયા મગાવી આ શખ્સોને આપ્યા હતા. પૈસા આપ્યા બાદ વેપારીનો છૂટકારો થયો. અપહરણકારોના ચંગુલમાંથી છૂટ્યા બાદ વેપારીએ અમદાવાદમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સમગ્ર હકીકત જણાવી દીધી.