Mysamachar.in-અમદાવાદઃ
સતત બીજા દિવસે અમદાવાદ ટ્રાફિક પોલીસ પોતાની કામગીરીને કારણે ચર્ચામાં આવ્યું છે. આ વખતે ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વગર ફરતી BMW કારને ડિટેઇન કરી તેના ચાલકને મેમો પધરાવી દીધો. વિગત પ્રમાણે સેટેલાઇટમાં રહેતાં પ્રિયેશ રમણભાઈ પટેલ નંબર વગરની BMW કાર લઈને ગુરુવારે એસજી હાઇવે પાસે આવેલા સિંધુભવન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ફરજ પર હાજર ટ્રાફિક પોલીસે કારને અટકાવી જરૂરી કાગળો માગ્યા હતા. જો કે પ્રિયેશ પાસે આરસી બૂક સહિતના ડોક્યુમેન્ટ ન હતા. કાગળો ન હોવાને કારણે ટ્રાફિક પોલીસે સ્થળ પર જ મેમો પકડાવી કારને ડિટેઇન કરી હતી. આ કાર્યવાહી અંગે અમદાવાદ પોલીસે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર શેર કરી હતી. જેમાં લખવામાં આવ્યું કે 'તમારો હકારાત્મક પ્રતિસાદ અમને વધુ શક્તિ આપે છે' ઉલ્લેખનીય છે કે બુધવારે અમદાવાદમાં ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ અને જરૂરી કાગળો વગરની 80 લાખની કિંમતની ફોર્ડ મુસ્ટાંગ કારને ડિટેઇન કરી હતી.