Mysamachar.in-અમદાવાદઃ
ગુજરાત માથેથી મહા વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું પરંતુ વરસાદ રૂપી આફત બંધ થવાનું નામ જ લેતી નથી. વાવાઝોડાને કારણે દરિયામાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે રાજ્યમાં અમદાવાદ, વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. તો ગત રાતે જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગમાં ધોધમાર ઝાપટાથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 12 કલાક ગુજરાત માટે ભારે છે, કારણ કે આ દરમિયાન વાવાઝોડું તો નહીં આવે પરંતુ ગીર સોમનાથ,જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, વડોદરા, આણંદ સહિતનાં જિલ્લામાં વરસાદ પડશે. દરિયામાં 400 કિમી દૂર વાવાઝોડું સક્રિય હોવા છતા બુધવારે સાંજના સમયે દ્વારકા પાસે આશ્ચર્યજનક રીતે દરિયો શાંત થઇ ગયો હતો. દરિયામાં સામાન્ય મોજા ઉજળી રહ્યાં હતા, તો પવનની ગતિ પણ સામાન્ય રહી હતી.