Mysamachar.in-અમદાવાદઃ
રાજ્યમાં ચોમાસાની ઋતુ વિદાઇ લેવાનું નામ જ લેતી નથી, વર્ષો બાદ એવું બન્યું કે એક પછી એક વાવાઝોડાની આફત ગુજરાતને ધમરોળી રહી છે. ક્લાઇમેટ ચેન્જના કારણે ઋતુઓમાં ધરખમ ફેરફારો થઇ રહ્યાં છે, જ્યાં ભાગ્યે જ વરસાદ પડતો હતો ત્યાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યાં અતિ ભારે વરસાદ પડતો હતો ત્યાં દુષ્કાળની સ્થિતિ સર્જાઇ છે. તો અવાર નવાર દરિયામાં સર્જાતા ચક્રવાત રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે અને કાંઠા સુધી પહોંચી જાય છે. ગુજરાતમાં ટૂંક સમયમાં જ મહા વાવાઝોડું ત્રાટકશે, જેના પર હવામાન વિભાગે ચાંપતી નજર રાખી બેઠું છે. પરંતુ અહીં વાત કરવી છે વાવાઝોડાના નામની. 'મહા' વાવાઝોડાનું નામ ઓમાને રાખ્યું હતું. પરંતુ શું તમને ખબર છે હવે પછી જે વાવાઝોડું આવશે તેનું શું નામ હશે ?
ચોમાસા દરમિયાન એટલે કે જુન મહિનામાં ગુજરાતમાં વાયુ વાવાઝોડું આવ્યું હતું. વાયુ નામ ભારતે રાખ્યું હતું. તમને જાણીને નવાઇ લાગશે કે વાવાઝોડાના નામ અગાઉથી જ નક્કી કરવામાં આવ્યા છે, આ પરંપરા 8 દેશ ભારત, બાંગ્લાદેશ, ઓમાન, મ્યાનમાર, પાકિસ્તાન, થાઇલેન્ડ, શ્રીલંકા અને માલદિવ્સ દ્વારા 2004થી શરૂ કરવામાં આવી છે. અરબી સમુદ્ર અને પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડાને આઠ દેશો દ્વારા કુલ 64 નામ આપવામાં આવેલા છે. આ દેશો દ્વારા ક્રમ પ્રમાણે નામ આપવામાં આવે છે. હવે જે વાવાઝોડું સક્રિય થશે તેનું નામ પાકિસ્તાને બુલબુલ નામ આપ્યું છે. 2014થી અત્યાર સુધી ગુજરાતના દરિયાકાંઠે નિલોફર, ઓખી, ચપાલા, અશોબા, સાગર, નનૌક, વાયુ, હિક્કા, ક્યાર વાવાઝોડા ત્રાટક્યા છે. એટલું જ નહીં વાવાઝોડાને એક નામ આપ્યા બાદ પછીના 10 વર્ષ સુધી એ નામનો ઉપયોગ થતો નથી !. ભારતે આપેલા નામની વાત કરીએ તો અગ્નિ, આકાશ, બિજલી, જલ, લેહર, મેઘ, સાગર અને વાયુ. આ તમામ નામનો ઉપયોગ થઇ ગયો છે.