Mysamachar.in-અમદાવાદઃ
સામાન્ય રીતે પોલીસ ટીમ પાતાળમાંથી આરોપીઓને શોધી લાવતી હોય છે, પરંતુ ઘણીવાર આરોપીઓનો પીછો કરવામાં ખુદ મુશ્કેલીમાં મુકાઇ જવાનો વારો આવે છે. જો કે વેરાન વિસ્તારમાં આવું બની શકે પરંતુ અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં કોઇ પોલીસ ઓફિસર જ લૂંટાઇ જાય તો શરમજનક બાબત કહેવાય. આવી જ એક ઘટનામાં આરોપીનો પીછો કરી રહેલા એક પોલીસ જવાનને લૂંટી લેવામાં આવ્યો. પોલીસ જવાને શંકાસ્પદ હિલચાલ દેખાતા હદની પરવા કર્યા વગર લાંબા સમય સુધી શકમંદોનો પીછો કર્યો પરંતુ એકલા અને ખાલી હાથે ગયેલા જવાનને કડવો અનુભવ થયો, આ અંગે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટના એવી છે કે ચાંદલોડિયાની નેતલદપાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશભાઇ ગોહિલ દોઢ વર્ષથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એલઆરડી તરીકે ફરજ બજાવે છે. ગુરુવારે તેઓ પોતાના ઘરેથી ચાંદલોડિયા બ્રીજ પાસે ચા પીવા જતા હતા ત્યારે ચાંદલોડિયા ગ્રામ પંચાયત પાસે તેમની નજીકથી બાઇક પર ત્રણ સવારી બેઠેલા કેટલાક શખ્સો પૂરઝડપે ત્યાંથી નીકળ્યા. જે રીતે રોડ પરથી આ ત્રણેય શખ્સો પસાર થયા પ્રકાશભાઇને શંકા જતા તેણે પોતાની હદમાં ન હોવા છતા શકમંદોનો પીછો કર્યો. થોડે દૂર જઇને બાઇક સવારો ઉભા રહી ગયા, આ દરમિયાન પ્રકાશભાઇ મોબઇલમાં બાઇકનો નંબર ખરાઇ કરવા માટે એપ્લીકેશનમાં ચેક કરવા જતા હતા ત્યાંજ શખ્સોએ પહેલા તો એલઆરડી જવાન પર હુમલો કરી દીધો. બાદમાં તું અમારો પીછો કેમ કરે છે તેમ કહીને તેની સાથે ઝપાઝપી કરી ફોન લૂંટી નાસી ગયા હતા. પ્રતિકાર કરી પ્રકાશભાઇએ પકડવાના પ્રયાસ કર્યા પરંતુ લૂંટારુઓ બાઇક મૂકી પથ્થરો મારીને ફરાર થઇ ગયા. બાદમાં પ્રકાશભાઇએ કંટ્રોલરૂમને જાણ કરતા ઘાટલોડિયા પોલીસ આવી અને આ અંગે ફરિયાદ નોંધી ચાંદલોડિયા રેલવે બ્રીજ તરફ ભાગેલા શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.