Mysamachar.in-અમદાવાદઃ
ગુજરાતમાંથી ચોમાસાએ નૈઋત્ય એટલે કે કચ્છ તરફના વિસ્તારમાંથી વિદાય લેવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમાં આ વર્ષે 45.60 ઇંચ સાથે સિઝનનો 142 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. અગાઉની આગાહી પ્રમાણે 10 ઓક્ટોબરથી રાજ્યમાંથી પણ ચોમાસાની વિદાયનો તબક્કાવાર પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતમાં હવે 15 નવેમ્બરથી શિયાળો શરૂ થશે. ત્યાં સુધી સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમી આમ ડબલ સિઝનનો અનુભવ થશે.આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર જઇ શકે છે. ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન છે. આગામી બે દિવસ દાહોદ-ડાંગ-વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢમાં હળવો વરસાદ પડી શકે છે.
સામાન્ય રીતે ગુજરાતમાંથી ચોમાસું 1લી સપ્ટેમ્બરે વિદાય લેતું હોય છે પરંતુ આ વખતે ર્ષ 1961 બાદ એટલે કે 58 વર્ષનું સૌથી લાંબુ ચોમાસું રહ્યું છે. ભુજ, અમદાવાદ સહિતના વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થઈ છે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસું 2 દિવસમાં વિદાય લેશે. વિદાયની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ ચોમાસાની વિદાયના લક્ષણો રાજ્યમાં દેખાઇ રહ્યા છે. 15 નવેમ્બર બાદ તાપમાનમાં ઘટાડો થશે, ત્યારબાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 141 ટકા વરસાદ વરસ્યો છે. આ વર્ષે લગભગ 4 મહિના સુધી ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ વરસ્યો છે. પરંતુ હવામાન વિભાગના મતે, 10મી ઓક્ટોબર પછી ચોમાસું વિદાય લે તેવી આગાહી કરી છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં 141% વરસાદ થયો છે, જેમાં 25 જિલ્લાઓમાં 100%થી વધુ વરસાદ તેમજ રાજ્યના તમામ તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં 84.43 લાખ હેક્ટર વિસ્તારમાં ખરિફ વાવેતર થયું છે.