Mysamachar.in-અમદાવાદઃ
સામાન્ય રીતે નવરાત્રી શરૂ થાય ત્યાં સુધીમાં શિયાળો શરૂ થઇ જતો હોય છે પરંતુ આ વર્ષે મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ઋતુઓમાં ભારે ફેરફાર થયો છે. ઓક્ટોબર મહિનો શરૂ થઇ ગયો હોવા છતા હજુ ઠંડી શરૂઆત થઇ નથી, તો હજું પણ ગુજરાતમાં અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે ટૂંક સમયમાં જ ચોમાસુ વિદાય લેશે પરંતુ આ વર્ષે ઠંડી કેવી પડશે તે અંગે હવામાન ખાતાએ પૂર્વ અનુમાન કર્યું છે.
હવામાન વિભાગના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ભારે વરસાદને કારણે ઠંડી પણ વહેલી પડશે. એટલું જ નહીં આ ઠંડી પણ હાડ થીજવે તેવી પડશે. તો આ વખતે ધુમ્મસ ઓછી રહેશે તેવું લાગી રહ્યું છે કારણ કે અંતિમ તબક્કામાં વરસાદ પડવાથી હવામાં પ્રદુષણ ઓછું થઇ જાય છે જેની અસર ધુમ્મસમાં રહેશે. ચોમાસું લંબાવવાના કારણે ખરીફ પાકને ભારે નુકશાન પહોંચી રહ્યું છે, પરંતુ તેનો સૌથી વધુ ફાયદો રવિ પાકને થવાનો છે. જેમાં ઘઉં, જવ, ચણા, વટાણા, તલ, અળસી, સરસવના પાકને ખાસ ફાયદો થશે. ધુમ્મસ ઓછી રહેવાના કારણે જીરા જેવા વધુ કમાણી કરાવતા પાકને સૌથી વધુ ફાયદો થવાનો અંદાજ છે.