Mysamachar.in-અમદાવાદ:
ઠગાઈ કરવા માટે ઠગ ટોળકીઓ કોઈ ને કોઈ નુસ્ખાઓ શોધી અને કોઈપણ રીતે લોકો પાસેથી યેનકેન પ્રકારે નાણા મેળવી લેતી હોય છે,ત્યારે હાલના સમયમાં મોટાભાગના લોકો એટીએમ કાર્ડ નો ઉપયોગ કરે છે,ત્યારે એટીએમ કાર્ડનો ઉપયોગ કરનાર લોકો માટે એક લાલબતી સમાન કિસ્સો અમદાવાદ પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા બાદ સામે આવ્યો છે,ખાસ કરીને અભણ માણસોના એટીએમ સ્કેન કરી હજારો રૂપિયાની ઉઠાતરી કરતી ટોળકીને પોલીસે ઝડપી છે.અસલાલી પોલીસ સ્ટેશન અને હરિયાણા પોલીસના, સયુક્ત ઓપેરશનની મદદથી ટોળકીના બે સભ્ય હાલ પોલીસ ગિરફતમા આવી ચુક્યા છે,
પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ આ ટોળકી અભણ માણસને એટીએમમાં મદદ કરી ચાલાકીથી એટીએમ સ્કેન કરી લેતા હતા.અને સ્કેન કરેલા ડેટાના માધ્યમથી અન્ય એટીએમમા થી પૈસા ઉપાડી લેતા હોવાનું સામે આવ્યું છે,ઝડપાયેલા આરોપી માત્ર ત્રણ અને સાત ધોરણ પાસ છે. તેમ છતા ચાલાકીથી સામાન્ય માણસોને ભોળપણનો લાભ લઇ આ રીતે રૂપિયા એટીએમથી ઉપાડતા હતા. અમદાવાદના ચાંગોદરમા આ પ્રકારનો ગુન્હો નોંધાતા પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી આ તમામ આરોપીના ફોટા તૈયાર કર્યા હતા,અને ફોટા અન્ય રાજયના પોલીસ સોશિયલ મીડિયા ગૃપમાં ફોરવર્ડ કરાયા હતા.જેમાં હરિયાણા પોલીસે આ આરોપીની ઓળખ કરી હતી. જેથી હરિયાણાથી આ બે આરોપીની ધરપકડ કરી વધુ રિમાન્ડ માટે અહી લાવામાં આવ્યા છે. આમ આ ટોળકીએ અન્ય કેટલા લોકોને આ રીતે પોતાનો શિકાર બનાવી અને એટીએમ સ્કેન કર્યા છે,તે દિશામાં પોલીસ આગળ વધી રહી છે.