Mysamachar.in:મોરબી
અંદાજે ત્રણેક મહિના અગાઉ મોરબીમાં સર્જાયેલી ગોઝારી ઝૂલતાં પુલની દુર્ઘટનાએ 135 જિંદગીઓને તરફડાવીને મારી નાંખેલી અને સમગ્ર ગુજરાતમાં આ દુર્ઘટનાના કરૂણ ડૂસકાં સંભળાયા હતાં. પછી, તાજેતરમાં ઓરેવાના માલિક જયસુખ પટેલ વિરૂદ્ધ પકડ વોરંટ જાહેર થયું ત્યારે કંપનીએ વળતર અને દતકની સુંદર કહાની અદાલતમાં વર્ણવી પરંતુ અદાલતે કહ્યું : કંપની વળતર આપવા તૈયાર છે એ અલગ મુદ્દો છે, કંપની વિરુદ્ધ ફોજદારી ગુનાની કાર્યવાહી તો અદાલતમાં થશે જ. આમ હવે, આ કાર્યવાહી નકકર બનવા તરફ આગળ વધી રહી છે.
અદાલતે કહ્યું : કંપનીના ડાયરેકટરે અદાલતમાં ફોજદારી કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ કાર્યવાહી વળતરના મુદાથી અલગ છે. કંપનીનાં ડાયરેક્ટર જયસુખ પટેલ વતી અદાલતમાં રજૂ થયેલાં સોગંદનામામાં કહેવાયું છે કે, કોઈ પણ પ્રકારની શરત વિના કંપની આ ઘટનામાં માતાપિતા ગુમાવનાર સાત બાળકોની સંપૂર્ણ જવાબદારી ઉઠાવવા તૈયાર છે. આ સોગંદનામામાં કહેવાયું છે કે, કંપનીએ ધંધાદારી હેતુ માટે નહીં પરંતુ વારસાની જાળવણી માટે આ પુલનું સમારકામ હાથ ધર્યું હતું. કેટલાંક મહાનુભાવોએ આ કામ મેળવવામાં તેઓને મદદ કરી હતી એમ પણ સોગંદનામામાં કહેવાયું છે. હાઈકોર્ટમાં કાલે બુધવારે રાજય સરકારે પણ પોતાનો જવાબ દાખલ કર્યો હતો.
રાજ્ય સરકારે અદાલતમાં જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યનાં 1,441 મોટાં પુલ પૈકી 63 પુલનું સમારકામ કરવું આવશ્યક છે. કુલ પુલ પૈકી 168 મોટાં પુલ અને 180 નાનાં પુલ રાજયની વિવિધ કોર્પોરેશન હસ્તક છે. નગરપાલિકાઓ વિસ્તારમાં આશરે 100 પુલ છે જે પૈકી 32 મોટાં પુલ છે, જેમાંથી 27 પુલનું સમારકામ હાલ ચાલી રહ્યું છે.અત્રે નોંધનીય છે કે, ગત્ 30 ઓક્ટોબરે મોરબીની મચ્છુ નદી પરનો આ ઝૂલતો પુલ તૂટી પડ્યો એ પુલ નગરપાલિકાએ ઓરેવા કંપનીને આપી દીધો હતો. જરૂરી મંજૂરી અને ફીટનેસ પ્રમાણપત્ર મેળવવાની દરકાર કર્યા વગર કંપનીએ આ પુલ લોકો માટે ખૂલ્લો મૂકી દીધો હતો. ત્યારબાદ ઉપરોક્ત ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી.
આ કેસમાં અદાલતે મોરબી નગરપાલિકાને પ્રશ્ન કર્યો હતો કે, પાલિકાએ કંપની વિરુદ્ધ જેતે સમયે શા માટે કોઈ પગલાં લીધાં ન હતાં ?! અને અદાલતે એમ પણ કહ્યું : પાલિકાનાં વર્તન પરથી કહી શકાય કે, પાલિકા અને કંપની વચ્ચે જેતે સમયે આપસી સાંઠગાંઠ હતી ! અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી નગરપાલિકાનાં ચીફ ઓફિસર અને કંપની વચ્ચે જે કરાર થયો હતો તે કરાર ક્યારેય પણ પાલિકાની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યો ન હતો. પ્રજાનાં પ્રતિનિધિઓને આ રીતે આ પ્રકરણમાં અજાણ રાખવામાં આવ્યા હતાં !