Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત આટલું વિશાળ છે, 33 તો જિલ્લાઓ છે અને શહેરો સેંકડો તથા સરકારી કચેરીઓની સંખ્યા તો વળી હજારોમાં- આમ છતાં, લાંચ રૂશવત વિરોધી તંત્ર આવડાં મોટાં ગુજરાતમાંથી માત્ર 9 અધિકારીઓ એવા શોધી શક્યું જેમની પાસે અપ્રમાણસર સંપત્તિઓ છે. અને આ સંપત્તિઓ પણ અસામાન્ય નથી. ટૂંકમાં, વર્ષ 2023 દરમિયાન ACB કોઈ નોંધનીય કામગીરીઓ કરી શક્યું નથી.
ACBએ વર્ષ 2023ની પોતાની કામગીરીઓની ઝલક એક રિપોર્ટમાં આપી છે. આ રિપોર્ટ અનુસાર, વર્ષ દરમિયાન 9 અધિકારીઓની રૂ. 8.53 કરોડની અપ્રમાણસર સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. આ આંકડો નાનો લેખાવી શકાય. અમદાવાદ અને સુરત જેવાં મોટાં શહેરોનો તો આમાં સમાવેશ જ નથી, અને જામનગર જેવા મહાનગરો પણ આમાં કયાંય નથી, આ બધાં શહેરો ‘સ્વચ્છ’ છે ??! એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ ઉઠે.
ACB રિપોર્ટ કહે છે: છેલ્લા ચારેક વર્ષ દરમિયાન થયેલી કાર્યવાહીઓ અને કામગીરીઓના આંકડાઓ નાના છે. પંચમહાલમાં અબ્દુલ રજાક નામના તલાટીની રૂ. 41.74 લાખની અપ્રમાણસર સંપત્તિઓ જપ્ત કરવામાં આવી. તે પંચાયત વિભાગનો તલાટી છે. આ ઉપરાંત પાટણના ઈજનેર જશવંત મોદીની રૂ. 4.22 કરોડની અપ્રમાણસર સંપત્તિઓ શોધી કાઢવામાં આવી. તે માર્ગ અને મકાન વિભાગનો ઈજનેર છે.
સાબરકાંઠાના હિંમતનગરના મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર દેવશ પટેલની રૂ. 1.47 કરોડની અપ્રમાણસર સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. બનાસકાંઠાના સમાજ કલ્યાણ વિભાગના અધિકારી અમિત પટેલની રૂ. 37.54 લાખની અપ્રમાણસર સંપત્તિઓ શોધી કાઢવામાં આવી છે.
વલસાડ ડાંગના કૃષિ અને સહકાર વિભાગના ક્ષેત્ર મદદનીશ યુસુફ અબ્દુલ રહેમાનની રૂ. 27.58 લાખની અપ્રમાણસર સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. પોરબંદરના પંચાયત વિભાગના અધિક મદદનીશ ઈજનેર શરદ સાંબલેની રૂ. 53.43 લાખની અપ્રમાણસર સંપત્તિઓ શોધી કાઢવામાં આવી છે.
પંચમહાલના અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગના સિનિયર ફૂડ સેફટી અધિકારી અશોક પટેલની રૂ. 20.73 લાખની અપ્રમાણસર સંપત્તિઓ, સુરેન્દ્રનગરના પંચાયત વિભાગના નાયબ કલેક્ટર સુનિલ વસાવાની રૂ. 88.84 લાખની અપ્રમાણસર સંપત્તિઓ તથા સુરત ગ્રામ્યના મહેસૂલ વિભાગના સર્કલ ઓફિસર અરૂણ પટેલની રૂ. 14.47 લાખની અપ્રમાણસર સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે.