Mysamachar.in:ગાંધીનગર:
સમગ્ર રાજયમાં 26 તથા 27 મીએ માવઠું થઈ શકે છે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા થયા પછી, આપણે સૌએ ગત્ દિવસોમાં આ માવઠું જોયું. આ માવઠાંથી ખેતીમાં જે નુકસાન થયું છે ઉપરાંત માનવ અને પશુઓના જે મોત નીપજયા છે, તેવા કિસ્સાઓમાં સરકાર દ્વારા સર્વે, મદદ અને સહાયની પ્રક્રિયાઓ શરૂ થશે એવી જાહેરાત સરકારના પ્રવકતામંત્રી દ્વારા થઈ છે.
પ્રવક્તામંત્રી ૠષિકેશ પટેલએ મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં કહ્યું: તાજેતરમાં રાજયના 50 થી 60 ટકા જિલ્લાઓમાં માવઠું થયું. જેને પરિણામે કપાસ, તુવેર અને એરંડા સહિતના ઉભાં ખરીફ પાકોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે રાજ્ય સરકાર ચિંતિત છે. મુખ્યમંત્રી હાલમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સંદર્ભે જાપાનના પ્રવાસે છે પરંતુ તેઓ ગાંધીનગર સાથે સતત સંપર્કમાં છે અને નુકસાન તથા સર્વે અંગે તેઓએ સૂચનાઓ આપી છે.
પ્રવક્તામંત્રીએ વધુમાં જણાવ્યું કે, ખેતીના પાકોને નુકસાન ઉપરાંત રાજયમાં માવઠાં દરમિયાન, વીજળી પડવાને કારણે 29 નાગરિકોના તથા 79 પશુઓના પણ મોત નીપજયા છે. આ બધી જ બાબતોમાં વરસાદની સ્થિતિ દૂર થતાં જ સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે અને નિયમો અનુસાર, આર્થિક મદદ તથા સહાયોની જાહેરાત કરવામાં આવશે. તેઓએ એમ પણ કહ્યું કે, રાજ્યના બહુ સીમિત વિસ્તારોમાં વરસાદ ઉપરાંત કરાં પડયાના પણ રિપોર્ટ છે. તેઓના કહેવા પ્રમાણે, તાજેતરના માવઠાં દરમિયાન રાજયમાં 1 થી માંડીને 144 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે.
-હવામાન વિભાગે કહ્યું કે…
રાજયના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, હવે રાજયમાં વરસાદની શકયતાઓ બહુ ઓછી છે. સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના છૂટાંછવાયા એકાદબે સ્થાનો પર એકદમ હળવો વરસાદ થઈ શકે છે. લઘુતમ તાપમાન રાજયમાં 15 ડિગ્રી આસપાસ નીચું ઉતરી શકે છે, મહત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. એકંદરે રાજયના મહત્તમ તાપમાનમાં 4-5 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, એમ તેઓએ જણાવ્યું.