Mysamachar.in-જામનગર:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વિષે એવું કહેવાય છે કે, તેઓ મૃદુ છતાં મક્કમ છે. લોકોની આ માન્યતા હકીકત છે કે લાગતાં વળગતાંઓ દ્વારા થતો માત્ર પ્રચાર છે- એ હવે ખબર પડી જશે. રાજયમાં ભેળસેળ અને નકલી ખાદ્ય પદાર્થોનો મામલો એટલી હદે ગંભીર, જિવલેણ અને ચિંતાપ્રેરક બની ગયો છે કે, ખુદ ભૂપેન્દ્રભાઈની પણ આ મુદામાં કસોટી થઈ જશે. CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ. જેમાં મુખ્યમંત્રીએ રાજયના ફૂડ વિભાગનો ઉધડો લીધો અને સ્પષ્ટ તથા આકરાં શબ્દોમાં કડક આદેશ છોડ્યો કે, ફૂડ વિભાગ માત્ર તહેવારો ટાણે જ કામગીરીઓ દેખાડે તે ચલાવી લેવાશે નહીં, આ દિશામાં વર્ષના 365 દિવસ કામ કરી દેખાડવું પડશે.
જામનગર અને રાજકોટ સહિત સમગ્ર રાજયમાં ભેળસેળ અને નકલી ખાદ્ય પદાર્થોનો મુદ્દો ઘાતક બની રહ્યો છે. કાયદાનો તથા સરકારનો આવા તત્વોને કોઈ ડર નથી. છડેચોક અસામાજિક તત્વો અને ધંધાદારી તત્વો ભેળસેળનો ધંધો આચરી રહ્યા છે. નકલી ખાદ્ય પદાર્થોના વિશાળ જથ્થા ઝડપાઈ રહ્યા છે ત્યારે, ચિંતાનો મુદ્દો એ છે કે, જે નકલી ખાદ્ય પદાર્થ ઝડપાઈ જતાં નથી અને લોકોના આંતરડામાં ઠલવાઈ રહ્યા છે અને તેને કારણે લોકોના આરોગ્ય અને જિંદગી સાથે જે રમતો રમાઈ રહી છે- તેની ચિંતાઓ કયાંય થતી નથી !! ફૂડ વિભાગ નાટકો કરવા દાયકાઓથી કુખ્યાત છે અને એટલે જ હવે મુખ્યમંત્રીએ આમ બોલવું પડ્યું છે.
મુખ્યમંત્રીએ ભેળસેળિયા તત્વો પર તૂટી પડવા ફૂડ વિભાગને આદેશ કર્યો તે સારી બાબત છે. પરંતુ સો મણનો સવાલ એ છે કે, CM આદેશનું પાલન થશે કે ઉલાળિયો?! બીજો મુદ્દો: રાજયભરમાં ફૂડ વિભાગની કામગીરીઓની સરકાર સમીક્ષા કરશે?! છાપેલા કાટલાં જેવા અધિકારીઓને સીધાદોર કરી શકશે ?! અને, એ મુદ્દો પણ વિચારવા જેવો છે કે, હાલમાં નકલી ખાદ્ય પદાર્થોના જથ્થા ઉપરા ઉપરી ઝડપાઈ રહ્યા છે તથા મીડિયામાં આ લોક પ્રશ્ને ઉહાપોહ મચી રહ્યો છે ત્યારે છેક સરકારને આ મુદ્દાની ગંભીરતા ધ્યાન પર આવી ?! સરકાર અત્યાર સુધી સૂતી હતી ?! સરકારે આ દિશામાં આટલાં દાયકાઓમાં ક્યારેય કોઈ નોંધપાત્ર કામગીરીઓ કરી દેખાડી નથી ! આ બાબત ઓછી ગંભીર છે ?!
જામનગર સહિત સમગ્ર રાજયમાં કયાંય પણ ફૂડ વિભાગમાં પૂરતાં અધિકારીઓ અને કર્મચારીઓ સરકારે મૂક્યા નથી. સરકારે જામનગર જેવા મહાનગરોને ખાદ્ય પદાર્થોના પરીક્ષણ માટે મોબાઇલ ટેસ્ટિંગ લેબોરેટરી કે કાયમી લેબોરેટરી આપી નથી. સરકારના એક પણ સચિવ ફૂડ વિભાગના અધિકારીઓને ક્યારેય ખખડાવતા નથી, ક્યારેય આ વિભાગની કાર્ય ક્ષમતા ચકાસવામાં આવતી નથી. ફૂડ વિભાગને સક્ષમ અને સજ્જ બનાવવાનો પ્રયાસ સરકાર કક્ષાએ ક્યારેય થતો નથી. આ પ્રકારની હાલત વચ્ચે મુખ્યમંત્રીના ધ્રૂજારાનો કોઈ અર્થ સરી શકે ?! સરી શકશે ?!
સમગ્ર રાજયમાં ખાદ્ય પદાર્થોની ભેળસેળ ગંભીર મુદ્દો બની ચૂકયો છે ત્યારે સરકારે પણ આત્મનિરીક્ષણ કરવું આવશ્યક છે. લોકોએ પણ ખાદ્ય પદાર્થોની શુદ્ધતા અંગે ક્રમશઃ વધુ જાગૃત બનવું પડશે. લોક જાગૃતિ સરકાર પર આ દિશામાં સક્રિય અને અસરકારક ભૂમિકા નિભાવવા દબાણ સર્જી શકે. અને લોક પ્રતિનિધિઓએ પણ આ મુદ્દે પોતાના વિસ્તારોના મતદારોના આરોગ્ય અને જિંદગી અંગે હવે કાંઈક વિચારવાનો અને લોકલક્ષી કામગીરીઓ કરી દેખાડવાનો સમય પાકી ચૂક્યો છે.
અંતમાં, CMએ કેબિનેટ બેઠકમાં આદેશ છોડ્યો છે કે, ફૂડ વિભાગે 365 દિવસ કામ કરી દેખાડવું જોઈએ. આ આદેશને ગ્રાઉન્ડ રિઆલિટી બનાવવા, અમલી બનાવવા, જામનગરની જ વાત કરીએ તો, કોર્પોરેશનની ફૂડ શાખા અને સરકારની ફૂડ એન્ડ ડ્રગ શાખા દોડતી થશે ?! જવાબદારો આ વિભાગોને દોડતાં કરી શકશે ?! કે પછી, શેઠની શિખામણ ઝાંપા સુધી ?! એ પ્રશ્નનો ઉત્તર આવતાં દિવસોમાં મળી જશે.