Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજયમાં કોઈ નવા રહેણાંક પ્રોજેક્ટમાં RERA સંવેદનશીલ મુદ્દો બની ગયો છે. કારણ કે, આ કાયદાની જોગવાઈઓ આ પ્રકારની મિલ્કતો ખરીદનારના હિતોની પણ ચિંતાઓ કરે છે. તાજેતરમાં RERA ઓથોરિટીએ એક સ્વૈચ્છિક સ્કીમ જાહેર કરી છે. કોઈ પણ રહેણાંક પ્રોજેક્ટના કોઈ પણ પ્રમોટર જો પોતાના પ્રોજેક્ટની ત્રિમાસિક વિગતો RERA પોર્ટલ પર સ્વૈચ્છિક રીતે જાહેર કરશે તો તેની વિરુદ્ધ દંડકીય કાર્યવાહીઓ નહીં થાય. તેનો સીધો ફાયદો મિલ્કતો ખરીદનાર વર્ગને પણ થશે. મિલકત ખરીદવા ઈચ્છતી વ્યક્તિ સંબંધિત પ્રોજેક્ટની તમામ વિગતો અને પ્રોજેક્ટનો પ્રોગ્રેસ RERA પોર્ટલ પર જોઈ શકશે.
RERA એકટની જોગવાઇ 34 હેઠળ સરકારે આ સ્વૈચ્છિક જાહેરાતની સ્કીમ જાહેર કરી છે. સરકારનો એવો અંદાજ છે કે, રાજયમાં ઓછામાં ઓછાં 625 પ્રોજેક્ટને આ સ્કીમનો ફાયદો થશે. તેઓએ કાયદાકીય કાર્યવાહીઓથી તથા દંડથી બચી શકશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, 2016 ના RERA એકટમાં એવી જોગવાઈઓ છે કે, દરેક પ્રમોટરે પોતાના રેરા પ્રોજેક્ટની તમામ વિગતો દર ત્રણ મહિને તથા પ્રોજેક્ટના અંતે પોર્ટલ પર મૂકવી ફરજિયાત છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જામનગરમાં અગાઉ સેવા સદન-4 ખાતે RERA કચેરી કાર્યરત હતી પરંતુ છેલ્લા ઘણાં સમયથી આ કચેરી સરકારે બંધ કરી દીધી છે અને હવે રેરા સંબંધિત તમામ કામગીરીઓ માત્ર ઓનલાઈન જ થઈ શકે છે.