Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત દરેક મહાનગરોમાં હજારો હાઉસિંગ સોસાયટીઓ હોય છે જેમાં કરોડો લોકો વસવાટ કરે છે. આ સોસાયટીઓમાં અનેક પ્રકારની બબાલો ચાલતી રહેતી હોય છે અને અસંખ્ય કાનૂની વિવાદો તથા નાણાંકીય ગેરરીતિઓ સહિતની અનિયમિતતાઓ પણ ચાલતી રહેતી હોય છે. બીજી તરફ આ માટેનું તંત્ર આ મુદ્દાઓ પર જાણે કે કશું જ ધ્યાન આપતું ન હોય તેવી રેઢિયાળ સ્થિતિ જોવા મળે છે.
ખુદ રાજય સરકારના સૂત્રો જણાવે છે કે, રાજયની તમામ હાઉસિંગ સોસાયટીઓ પર દેખરેખ રાખવાની જવાબદારીઓ જિલ્લાકક્ષાએ જેઓને સોંપવામાં આવી છે તે કો-ઓપરેટિવ સંસ્થાઓ માટેના રજિસ્ટ્રારની કચેરીઓ પાસે પૂરતો સ્ટાફ ન હોવાને કારણે રાજયભરમાં હાઉસિંગ સોસાયટીઓનો વિષય સાવ સુષુપ્ત હાલતમાં પડ્યો છે. સૌ જાણે છે એમ હાઉસિંગ સોસાયટીઓમાં રાજયભરમાં કરોડો લોકો વસવાટ કરે છે તેથી આ બધી બાબતો અંગે સરકાર પણ ચિંતાઓ કરી રહી છે.
અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, રાજયમાં હાઉસિંગ સોસાયટીઓના સમગ્ર વિષયને સારી રીતે નિયંત્રિત કરવા, રેગ્યુલેશન માટે સરકાર એક ખાસ કાયદો લાવવા કવાયત કરી રહી છે. એમ પણ કહેવાય છે કે, આ સૂચિત ખાસ કાયદા માટે સરકારમાં જરૂરી ડ્રાફ્ટ ઉર્ફે મુસદ્દો પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. જો કે આ મુસદ્દાની વિગતો હજુ બહાર આવવા પામી નથી.
હાઉસિંગ સોસાયટીઓનું નિયંત્રણ જિલ્લાની રજીસ્ટ્રાર કચેરીઓ દ્વારા થઈ રહ્યું છે પરંતુ તેમાં ઘણાં બધાં પ્રશ્નો છે અને રાજયભરમાં હજારો વિવાદો લાંબા સમયથી પડતર જોવા મળી રહ્યા છે. આ કચેરીઓ પાસે મેનપાવર પણ નથી હોતો. આ ઉપરાંત સમગ્ર જિલ્લાકક્ષાએ હજારો ગ્રામ્ય સહકારી મંડળીઓ વગેરેની દેખરેખ તેઓએ રાખવાની હોય છે. જેને કારણે મહાનગરોની આ સમસ્યાઓ પર ધ્યાન અપાઈ રહ્યું નથી !!
અત્રે ઉલ્લેખનિય છે કે, હાઉસિંગ સોસાયટીઓને લગતાં નિયમોમાં પણ ઘણી વિસંગતતાઓ છે જેને કારણે પણ વિવાદો થતાં રહે છે. સરકાર ઈચ્છે છે, વિધાનસભાના આગામી સત્રમાં આ માટે ખાસ ખરડો લાવવામાં આવે. જેની મદદથી સોસાયટીઓના સંચાલન અને કામગીરીઓમાં સુધારો આવે, વિવાદો પણ નિવારી શકાય.
ઘણી બધી હાઉસિંગ સોસાયટીઓ એવી હોય છે જયાં સોસાયટીઓના સભ્યો વચ્ચે લાંબા સમયથી તકરારો ચાલતી હોય. પ્રસ્તાવિત કાયદામાં સોસાયટીઓના સંચાલનની મેટર, હોદ્દેદારોની ચૂંટણીઓ, કમિટીના સભ્યોની નિમણુંકો, મકાનોની માલિકી અને કબ્જા ફેરફારમાં થતાં વિવાદો, સોસાયટીઓના હિસાબોમાં ચોકસાઈ તથા પારદર્શિતા અને ફાયર સેફટી તથા ગટર વ્યવસ્થા સહિતના મુદ્દાઓ આવરી લેવામાં આવશે.