Mysamachar.in-ગાંધીનગર:
GST ના અપીલના કેસોમાં સરકારે વેપારીઓ અને ઉદ્યોગકારોને એક વિશેષ સુવિધા કરી આપી છે. આ માટે સરકારે એક પરિપત્ર દ્વારા આ સુધારો જાહેર કર્યો છે. આ સુધારાથી વેપારીઓ અને ઉદ્યોગકારોને વધારાની સુવિધા પ્રાપ્ત થઈ છે. અત્યાર સુધી જોગવાઈ એવી હતી કે, GST તંત્ર દ્વારા કોઈ પણ નોંધાયેલા વેપારી કે ઉદ્યોગકારને ડિમાંડ નોટિસ મોકલવામાં આવી હોય તેવા કેસમાં નોટિસ સામે અપીલ કરવા કરદાતાને નિયમ અનુસાર 3 મહિનાનો સમય મળતો હતો. આ ઉપરાંત અધિકારીને આ મુદત વધુ એક મહિનો લંબાવવાની સતા હોવાથી કરદાતાને અપીલમાં જવા કુલ 4 મહિનાનો સમય મળતો અને તે દરમિયાન અપીલ ચલાવવા કરદાતાએ ડિમાંડની રકમના 10 ટકા નાણાં સરકારમાં જમા કરાવવા પડતાં હતાં. આ ચાર મહિનામાં જો અપીલ કેસ ન ચાલે તો કરદાતાએ ડિમાંડના આ નાણાં ભૂલી જવા પડતાં હતાં.
હવે સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવાયું છે કે, અપીલના આ કેસોમાં કરદાતાએ ડિમાંડ નોટિસ રકમના 12.5 ટકા નાણાં સરકારમાં જમા કરાવવાના, જે પૈકી 2.5 ટકા રકમ રોકડેથી જમા કરાવવાની રહેશે. આ આખી રકમ જમા થયા બાદ, ચાર મહિના પછી પણ કરદાતા અપીલમાં જઈ શકશે. ટૂંકમાં આ પ્રોસેસમાં ડિલે કોન્ડોનની શરતનો ઉકેલ આવી ગયો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધી આ પ્રકારની કાયદાકીય જોગવાઈ ન હોવાથી હાઈકોર્ટ અથવા સુપ્રિમ કોર્ટ પણ આ પ્રકારના કેસમાં કોઈ આદેશ આપી શકતી ન હતી. હવે આ ડિલે કોન્ડોનની સમસ્યાનો ઉકેલ સરકારે કાઢી આપ્યો હોય, કરદાતાઓને આ પ્રકારના કેસોમાં એક વધારાની સુવિધા પ્રાપ્ત થઈ છે.