Mysamachar.in-ગાંધીનગર;
થોડાં મહિનાઓ અગાઉ રાજ્ય સરકારે જંત્રીના દરો ડબલ કરી નાંખ્યા. જેનો ઘણાં બધાં સ્ટેક હોલ્ડરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના દ્વાર પણ ખટખટાવવામાં આવ્યા હતાં. જેથી સરકારે દરેક જિલ્લાકક્ષાએ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને જંત્રીના દરો વાસ્તવિક બનાવવા મુદ્દે તથા લોકોને સાંભળવા સર્વે કરવા સૂચનાઓ આપેલી, આજે આ ઉચ્ચ અધિકારીઓ સરકારને સર્વે રિપોર્ટ, સૂચનો અને ભલામણો સોંપશે.
જામનગર સહિત તમામ જિલ્લાકક્ષાએથી આ સર્વે રિપોર્ટ અને સૂચનો તથા ભલામણો આવ્યા પછી, સરકાર તેનો અભ્યાસ કરશે. અને શકયતાઓ એવી પણ છે કે, આ અભ્યાસ બાદ સરકાર રિવાઈઝડ જંત્રી દરો અંગે તહેવારો પૂર્વે કોઈ મહત્વની જાહેરાત પણ કરે.
થોડા સમય અગાઉ સરકારે જંત્રી દર બમણાં કર્યા બાદ, કલેક્ટર અને ડીડીઓ કક્ષાએ આ સર્વે થયો છે. રાજયમાં ઘણાં બધાં વિસ્તારો એવા છે જયાં જમીનોના બજારભાવ અને જંત્રી દરો વચ્ચે મોટો તફાવત છે, જેના કારણે દસ્તાવેજો કરવામાં પણ તકલીફો ઉભી થઈ રહી છે અને આ ઉપરાંત બિલ્ડરોને પોતાના યુનિટના વેચાણભાવો જાહેર કરવામાં પણ પરેશાનીઓ થાય છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ છે, રાજયમાં હજારો ઉદ્યોગ પણ આવશે, એટલે ઉદ્યોગો માટેની જમીનોના જંત્રીના દરો પણ સરકારે રિવાઈઝ કરવા પડે. આ બધી બાબતોને ધ્યાન પર લઈ સરકારે આજે તમામ કલેક્ટર અને ડીડીઓ પાસેથી સર્વે રિપોર્ટ, ભલામણ અને સૂચનો પ્રાપ્ત કરવા નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
આમ તો રાજયની કેબિનેટ બેઠક દર બુધવારે યોજાય છે પરંતુ કાલે મુખ્યમંત્રીએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા બીજેપી અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે બેઠક કરેલી. એટલે ગુજરાતમાં કેબિનેટ બેઠક આજે બપોરે યોજવામાં આવનાર છે. અને આ બેઠક બાદ CM તમામ કલેક્ટર અને ડીડીઓ સાથે, જંત્રી મુદ્દે કોન્ફરન્સ યોજશે તેમ સૂત્ર જણાવે છે.