Mysamachar.in-ગાંધીનગર:
ખાનગી શાળાઓમાં ઘણાં પ્રકારના કબાડાઓ ચાલતાં હોય છે. આ પ્રકારનો એક ગોટાળો સરકારે બંધ કરાવી દીધો છે. ખાનગી શાળાઓને સરકાર તરફથી મળતી લાખો રૂપિયાની રકમ પર કાયમ માટે બ્રેક લગાવી દેવામાં આવી છે જેને કારણે ગેરરીતિઓ પણ અટકશે. રાજયની પ્રત્યેક ખાનગી માધ્યમિક શાળાને સરકાર તરફથી પ્રોત્સાહક આર્થિક સહાય આપવામાં આવતી હતી. આ યોજના 2014-15થી અમલમાં હતી. યોજના હેઠળ આ હજારો શાળાઓને સરકાર તરફથી કરોડો રૂપિયા મળતાં હતાં. આ નાણાંની હેરાફેરી થતી હતી. આ ગેરરીતિઓ અંગે સરકારને સંખ્યાબંધ ફરિયાદો મળી હતી. આથી સરકારે આ યોજનામાંથી ખાનગી માધ્યમિક શાળાઓની બાદબાકી કરી નાંખી છે. જો કે વિદ્યાર્થીઓને આ સહાય મળવાનું ચાલુ કરવામાં આવ્યું છે.
2014-15થી રાજ્ય સરકાર દરેક ખાનગી માધ્યમિક શાળાને વિદ્યાર્થીદીઠ રૂપિયા 7,500ની પ્રોત્સાહક આર્થિક સહાય ચૂકવતી હતી. જેમાં વિદ્યાર્થીઓની ખોટી સંખ્ય દેખાડવા સહિતની ગેરરીતિઓ આચરી આ શાળાઓ સરકાર પાસેથી મોટી આર્થિક મદદ મેળવી લેતી હતી. આ મામલે ફરિયાદો મળતાં સરકારે શાળાઓને આ સહાય આપવાનું બંધ કરી દીધું છે. હવે પ્રત્યેક વિદ્યાર્થીના બેન્ક ખાતામાં વાર્ષિક રૂપિયા 7,500ની આ રકમ ડાયરેક્ટ જમા થઈ જશે જેથી વાલીઓને ટેકો મળશે. ભૂતિયા વિદ્યાર્થીઓ આપોઆપ બાદ થઈ જશે.
શાળાઓ દ્વારા થતી ગેરરીતિઓને કારણે આ યોજના બંધ જ કરી દેવાની માંગ થયેલી પરંતુ સરકારે લાંબી વિચારણાને અંતે, યોજના ચાલુ રાખી છે પરંતુ તેનો સીધો ફાયદો વાલીઓને આપી દેવામાં આવ્યો છે અને શાળાઓની મલાઈ પર બ્રેક લગાવી દેવામાં આવી છે. સરકારના આ પગલાંથી ખાનગી શાળાઓના માલિકો ધૂંધવાયા છે. વાલીઓ પાસેથી વધારાનો લાભ મેળવવા અને સહાય બંધ થતાં સહન કરવી પડેલી નુકસાની સરભર કરવા, શાળાઓના સંચાલકો ફીવધારાનો આશ્રય લેશે.?! એવો પ્રશ્ન પણ વાલીઓ પૂછી રહ્યા છે.