Mysamachar.in-ગાંધીનગર:
રસ્તાઓ હેમામાલિનીના ગાલ જેવાં હોવા જોઈએ, આપણાં રોડ અમેરિકાના રોડ કરતાં પણ સારાં છે…વગેરે વગેરે વાકયો રસ્તાઓ બાબતે જાહેરમાં ઘણી વખત બોલાતાં હોય છે, તાજેતરમાં વિવિધ વિભાગોના સચિવોની બેઠકમાં મુખ્યમંત્રીએ રસ્તાઓ બાબતે જે તાકીદ કરી છે, તેને કારણે આ વિભાગના સચિવને સારો એવો તાપનો અનુભવ થયો છે.
રસ્તાઓ સારાં હોવા જ જોઈએ. ખરાબ રસ્તાઓ વાહનોને નુકસાન કરે છે, વાહનચાલકની માનસિક હાલત બગાડી નાંખે છે. અસંખ્ય અકસ્માત થાય છે. અનેક લોકો જીવ ગુમાવે છે. અસંખ્ય લોકો આજીવન વિકલાંગ બને છે. રાષ્ટ્રીય સંપતિનો બગાડ થાય છે. ટ્રાફિક જામ થાય છે. લોકોના સમયનો તથા ઈંધણ અને નાણાંનો વેડફાટ થાય છે. અદાલતોમાં કેસોનો ઢગલો થાય છે. રસ્તાઓના નિર્માણમાં ભ્રષ્ટાચાર પણ બેફામ થતો હોય છે જે કાળા નાણાંનું સર્જન કરે છે. વગેરે અનેક બાબતોનું મૂળ ખરાબ રસ્તાઓ છે.
સચિવોની બેઠકને સંબોધતી વખતે મુખ્યમંત્રીએ રાજયના માર્ગ અને મકાન વિભાગના સચિવ એ.કે.પટેલ સામે જોઈને કડક શબ્દોમાં કાર્યવાહીઓની સૂચનાઓ આપી છે. CMએ કહ્યું: ખરાબ રસ્તાઓને કારણે રાજયભરમાં નાગરિકો વિવિધ પ્રકારની હાલાકીઓ અને પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. આગામી દિવાળી તહેવારો પહેલાં સમગ્ર રાજયમાં તમામ પ્રકારના નાનામોટાં રસ્તાઓ તથા તમામ હાઈવેઝ ટનાટન અને ચકાચક બનવા જોઈએ. આ કામગીરીઓ તાકીદે થવી જોઈએ. આ કડક સૂચનાઓને કારણે સચિવે કહ્યું, ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે અને સમારકામના મોટાભાગના કામો ટ્રેક પર છે. ટૂંકમાં CMના પારાનો સચિવે સારો એવો તાપ અનુભવવો પડયો.