Mysamachar.in-ગાંધીનગર:
રાજયની સેંકડો ગ્રાન્ટેડ શાળાઓ વર્ષોથી વિવિધ ભરતીઓના મુદ્દે પરેશાન છે પરંતુ તેઓની પરેશાનીઓનો અંત આવતો નથી, તેથી અસંતોષ વધતો જોવા મળી રહ્યો છે જે અનુસંધાને વધુ એક વખત સરકારમાં રજૂઆત થઈ છે. જામનગર સહિત રાજયભરની ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોએ સરકારમાં વિવિધ ખાલી જગ્યાઓ મુદ્દે રજૂઆત કરી છે. આ શાળાઓમાં કારકૂનો, આચાર્યો અને ગ્રંથપાલોની ભરતીઓ વરસોથી થતી નથી.
રાજયમાં ગ્રંથપાલોની 3 હજાર જગ્યાઓ 27 વર્ષથી ખાલી છે. 13-13 વર્ષથી કારકૂનો અને પટ્ટાવાળાઓની ભરતીઓ થઈ નથી. જેને કારણે સંખ્યાબંધ શાળાઓમાં શાળાઓ શરૂ થવાના ઘંટ આચાર્યોએ વગાડવા પડે છે. શિક્ષકોએ કારકૂની કરવી પડે છે. 1,200 જેટલી શાળાઓમાં ક્લાર્ક નથી, 800 જેટલી શાળાઓમાં પટ્ટાવાળા નથી. ધોરણ 11-12 ના વર્ગો ધરાવતી શાળાઓ પૈકી જે શાળાઓમાં 3,000 પુસ્તકો વસાવેલા હોય ત્યાં ગ્રંથપાલ મળવાપાત્ર હોવા છતાં 27-27 વર્ષથી આ ભરતીઓ થઈ નથી! દર વર્ષે વાંચે ગુજરાત કાર્યક્રમ ઉજવવામાં આવે છે.
શાળાઓમાં વહીવટી કામગીરીઓ માટે કારકૂનો તથા પરચૂરણ કામો માટે પટ્ટાવાળાઓ જરૂરી હોવા છતાં, 13-13 વર્ષથી આ ભરતીઓ થઈ ન હોય, સંચાલક મંડળે શિક્ષણમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી છે. જો કે રજૂઆતો તો ભૂતકાળમાં પણ થયેલી. ક્લાર્કની ગેરહાજરીમાં આચાર્યોએ કારકૂની પણ કરવી પડે છે.