Mysamachar.in-ગાંધીનગર:
શિક્ષણ અને શિક્ષા ઉર્ફે દંડનો આમ તો પુરાણો નાતો રહ્યો છે પરંતુ નવો કાયદો અને કન્સેપ્ટ એવો છે કે, કોઈ પણ શાળા કે શિક્ષક કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા ન કરી શકે અને માનસિક ત્રાસ પણ ન આપી શકે. એક ક્લાસરૂમમાં બાળકને ઉપરાઉપરી ધબ્બા મારતી એક શિક્ષિકાનો વીડિયો વાયરલ થતાં, આ અંગેનો કાયદો, નિયમો અને દંડકીય જોગવાઈઓ ચર્ચાઓમાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, એક વર્ગમાં એક શિક્ષિકા એક નાના બાળકને બેફામ માર મારતી હોય એવો વીડિયો વાયરલ થતાં રાજયભરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો. અને આ વીડિયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ શાળાઓને એક ઈ-મેઈલ મોકલી આપવામાં આવ્યો. આ મેઈલમાં પરિપત્ર છે.
આ પરિપત્ર કહે છે: રાજયમાં આવેલી કેટલીક બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ દ્વારા શાળામાં અભ્યાસ કરતાં બાળકોને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવા અંગેની મૌખિક રજૂઆતો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના ધ્યાન પર આવેલ છે. આ પરિપત્રમાં ઉલ્લેખ છે કે, RTE એકટની કલમ-17 મુજબ, કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા, માનસિક ત્રાસ કે માનસિક કનડગત કરી શકાય નહીં. આ નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ સેવા નિયમો વિષયક શિસ્ત અંગેના પગલાંઓ લઈ શકાય.
સરકારી અને ખાનગી શાળાઓ, પંચાયતોની શાળાઓ, પાલિકાઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા કરવા પર તેમજ માનસિક ત્રાસ કે કનડગત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઈ પણ શાળામાં આ નિયમનો ભંગ થયો હોવાનું સાબિત થયે, તે શાળાને પ્રથમ વખત રૂપિયા 10,000નો દંડ કરી શકાય છે. અને તે બાદના આવા દરેક કિસ્સામાં રૂપિયા 25,000નો દંડ કરી શકાય છે.
જો કોઈ શાળા દંડ ન ભરે અને આ પ્રકારની અનિયમિતતાઓ પાંચ વખત થાય તો, તે સંસ્થાની માન્યતા રદ થઈ શકે છે. જામનગર સહિત તમામ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓને 11મી ઓક્ટોબરના દિને આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે.