Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજયમાં સરકારી આરોગ્ય સેવાઓ અને સુવિધાઓને લગતી ક્ષતિઓ મુદ્દે અવારનવાર અહેવાલો બહાર આવતાં રહે છે. જે અનુસંધાને આરોગ્યમંત્રી દ્વારા એક વ્યાપક કક્ષાની રિવ્યૂ બેઠક યોજવામાં આવી. જેમાં મંત્રીએ કેટલીક કડક સૂચનાઓ પણ આપી છે. કોરોના બાદ પ્રથમ વખત રાજયના આરોગ્ય વિભાગ દ્વારા આટલાં વિશાળ વ્યાપ પર આ રિવ્યૂ બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં આરોગ્યમંત્રી ૠષિકેશ પટેલએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, રાજયમાં કયાંય પણ આરોગ્ય સેવા મેળવવા આવનાર દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફો ન પડે તે મુદ્દો દરેક હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રોએ સુનિશ્ચિત કરવાનો રહેશે.
આ રિવ્યૂ બેઠકમાં રાજયની 19 હોસ્પિટલોના સતાવાળાઓને તથા રાજયના તમામ 33 જિલ્લાઓના મુખ્ય આરોગ્ય અધિકારીઓને જોડવામાં આવેલાં. જેમાં રાજયના 6 ઝોનના રેસિડેન્ટ ડેપ્યુટી ડાયરેક્ટરને પણ હાજર રાખવામાં આવ્યા હતાં. આ બેઠકમાં મંત્રીએ કુલ 21 મુદ્દાઓ અંગે અધિકારીઓ અને તબીબોને માર્ગદર્શન આપ્યું. દર્દીઓની સુવિધાઓ માટે દરેક આરોગ્યધામમાં સ્વચ્છતા જાળવવી, તબીબોની ઘટ પૂર્ણ કરવા જરૂરી પગલાંઓ લેવા, દર્દીઓ તથા તેઓના પરિજનો સાથે હોસ્પિટલ સ્ટાફનું વર્તન સુધારવું, મેડિકલ સાધનો અને દવાઓની અછત ન સર્જાય તે માટે ધ્યાન આપવું અને આરોગ્યધામમાં કયાંય પણ શ્વાન કે પશુઓ જોવા મળવા ન જોઈએ વગેરે કુલ 21 મુદ્દાઓ પર આ બેઠકમાં સંબંધિતોને સૂચનાઓ આપવામાં આવી.
રાજયમાં હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો મળી કુલ 2,300 આરોગ્ય સંસ્થાઓ છે. જે તમામ સંસ્થાઓમાં દર્દીઓને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને તમામ આરોગ્ય સ્ટાફ દર્દીઓ સાથે ઉત્તમ માનવીય અભિગમ દાખવે તે આવશ્યક બાબત હોવા પર આરોગ્યમંત્રીએ ભાર મૂકયો હતો. આ ઉપરાંત મંત્રીએ એમ પણ કહ્યું કે, હોસ્પિટલ સહિતના આરોગ્યધામોમાં લોકોએ વધુ વખત કતારોમાં ન ઉભવું પડે તે રીતે વધુ વિન્ડોનું આયોજન થવું જોઈએ. આ ઉપરાંત હોસ્પિટલમાં દર્દીઓની એક વિભાગમાંથી અન્ય વિભાગમાં હેરફેર વખતે દર્દીઓને ઓછામાં ઓછી તકલીફો પડે તે સૌએ જોવું જોઈએ.
આ બેઠકમાં કેટલાંક તબીબી અધિકારીઓએ ડોકટરોની અછત અંગે તથા હોસ્પિટલ જેવાં સ્થળોએ દર્દીઓના પરિજનો દ્વારા સ્વચ્છતા સંબંધિત બેદરકારીઓ રાખવામાં આવતી હોવા અંગે મંત્રી સમક્ષ ફરિયાદો પણ કરી હતી. સામાન્ય રીતે કોઈ પણ વિભાગમાં રિવ્યૂ બેઠક બાદ સંબંધિત વિભાગમાં કોઈ ગુણાત્મક ફેરફારો કે નોંધપાત્ર પરિવર્તનો જોવા મળતાં નથી હોતાં. ત્યારે, આ બેઠક બાદ આગામી સમયમાં આરોગ્ય ક્ષેત્રમાં શું નોંધપાત્ર ફેરફારો થાય છે ? તે જોવું રસપ્રદ બનશે.