Mysamachar.in:ગાંધીનગર
કોરોનાકાળ પછી ગુજરાતમાં પ્રવાસન વિભાગની પ્રવૃતિઓમાં વધારો થયો છે. સમગ્ર રાજયમાં વિદેશી પ્રવાસીઓ ચિક્કાર સંખ્યામાં આવી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદની મુલાકાત લેનારા સહેલાણીઓની સંખ્યા ઘણી મોટી જાહેર થઈ છે. રાજયના પ્રવાસન વિભાગના આંકડાઓ અનુસાર, આ વર્ષના પ્રથમ આઠ જ માસમાં અમદાવાદની મુલાકાત લેનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યા 3.53 લાખ રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અમદાવાદ વર્લ્ડ હેરિટેજ શહેરોમાં સમાવિષ્ટ છે.વર્ષ 2022માં અમદાવાદની મુલાકાત લેનારાઓ 3.63 લાખ રહ્યા.
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટની વિઝિટ કરનારાઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે. દ્વારકા, સોમનાથ અને અંબાજી જેવા ધર્મસ્થાનો પણ વિદેશી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. કોરોનાને પગલે ઠપ્પ થયેલાં પ્રવાસન ઉદ્યોગને પાછલાં બે વર્ષ દરમિયાન ગજબની ગતિ પ્રાપ્ત થઈ છે. વર્ષ 2021માં ગુજરાતમાં માત્ર 11,319 વિદેશી મહેમાનો આવ્યા હતાં. વર્ષ 2022માં આ સંખ્યા 17.17 લાખને આંબી ગઈ. અને વર્ષ 2023માં પ્રથમ આઠ મહિનામાં જ 15.40 લાખ વિદેશી પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લઈ ચૂકયા છે. ડિસેમ્બર, 2023 સુધીમાં આ આંકડો 20 લાખ થઈ શકે એવો અંદાજ છે.
ભારતની મુલાકાતે આવતાં વિદેશી પ્રવાસીઓ પૈકી 20 ટકા જેટલાં પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી. સમગ્ર વિશ્વમાં આજે 27મી સપ્ટેમ્બરનો દિવસ વિશ્વ પ્રવાસી દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં ધાર્મિક, ઐતિહાસિક, હેરિટેજ, કુદરતી અને સાહસિક પ્રવાસન સ્થળોનો વિકાસ થયો છે. રાજય સરકારે આ સ્થળો પર સુવિધાઓ વિકસાવી છે. જેથી પ્રવાસીઓમાં આકર્ષણ વધ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત આવતાં પ્રવાસીઓના ટ્રેકિંગ માટે સરકાર દ્વારા AATITHYAM પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે.આ પ્રકારનું પોર્ટલ લોન્ચ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય છે. વર્ષ 2022માં દ્વારકાની મુલાકાત લેનારાઓની સંખ્યા 75,000 હતી. વર્ષ 2023માં આઠ મહિનામાં 62,915 પ્રવાસીઓએ દ્વારકાની મુલાકાત લીધી છે.