Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજયમાં આજે 14 સપ્ટેમ્બરથી RTO સંબંધિત નવો નિયમ લાગુ પડી ગયો છે કે, નવા ટુ વ્હીલર અને ફોર વ્હીલરનો નંબર ડીલરોએ જ આપવાનો રહેશે. હવેથી કોઈ પણ વાહનને ટેમ્પરરી રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવશે નહીં. ડીલર નંબરપ્લેટ ફીટ કરી આપે પછી જ નવું વાહન શોરૂમ બહાર એટલે કે રસ્તા પર ચાલી શકશે. જો કોઈ નવું વાહન નંબર પ્લેટ વિના નજરે ચડશે તો તે જવાબદારી ડીલરની લેખાશે. ડીલર નવા વાહનને નંબર પ્લેટ લગાડશે પછી જ ખરીદનારને નવું વાહન શોરુમમાંથી મળી શકશે. જામનગર RTO ઉપાધ્યાય કહે છે: RTOએ આજથી નવા ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહનોને નંબર આપવાની કામગીરીઓ બંધ કરી દીધી છે. રાજય સરકારની સૂચનાઓ મુજબ આજથી આ કામ વાહનોના ડીલર કરશે.
જાણકારો કહે છે, આ નવી પ્રથાને કારણે લોકોને શોરુમમાંથી સમયસર વાહન મળશે નહીં. ખરેખર તો વાહનનું વેચાણબિલ બનાવતી વખતે બિલમાં વેચાણ સમય અને વાહનની ડિલેવરીનો સમય ખરીદનારને લખી આપવો જોઇએ નહિંતર વાહન અને નંબર પ્લેટ ડિલેવરીમાં શોરુમમાં બબાલો થશે. ગણેશ ચતુર્થી કે ધનતેરસ જેવા શુકનવંતા દિવસોએ ખરીદનારને વાહનની ડિલેવરી મળશે કે કેમ ? તે કેમ નકકી થશે ? કેમ કે જયાં સુધી વાહનમાં HSRP નંબર પ્લેટ નહીં લાગે ત્યાં સુધી ડીલર ગ્રાહકને વાહનની ડિલેવરી આપી શકશે નહીં. કેમ કે, આજથી ટેમ્પરરી રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું છે.
એવું જાહેર થયું છે કે, સરકારે તમામ RTO કચેરીઓનો 13 સપ્ટેમ્બર સુધીનો વાહનનંબરનો ડેટા સંબંધિત ડીલરોને ઓનલાઇન આપી દીધો છે. જો કે સૂત્રો કહે છે, ડીલરોના રાજયકક્ષાના એસોસિએશને સરકારના આ પગલાંનો વિરોધ કર્યો છે. અને એસોસિએશન દ્વારા આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.