Mysamachar.in:ગાંધીનગર
ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા ગંભીર વિષય બન્યો છે. વિધાનસભામાં પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત થઈ છે. અને આગામી ટૂંક સમયમાં મહિલા સુરક્ષા સમિતિની રચના કરવામાં આવશે એમ વિધાનસભામાં કહેવાયું છે. રાજયમાં મહિલાઓ પર થતાં અત્યાચારો રોકવા ટૂંક સમયમાં મહિલા સુરક્ષા સમિતિની રચના કરવામાં આવશે એમ ગૃહ વિભાગના રાજયકક્ષાના મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં જાહેર કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 2014માં અને 2017માં પણ આ સમિતિ રચાયેલી, જેની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે.
ગૃહરાજ્યમંત્રીએ કહ્યું, હાલમાં જિલ્લાકક્ષાએ આ સમિતિઓ છે. રાજયકક્ષાએ સમિતિની રચના કરવામાં આવશે. આ મુદ્દે મુખ્યમંત્રીના અધ્યક્ષપદે એક બેઠક પણ યોજાઈ ગઈ છે. વિધાનસભામાં હર્ષ સંઘવીના પ્રત્યુતર બાદ ધારાસભ્ય તુષાર ચૌધરીએ કહ્યું: નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ, ગુજરાતમાં દર વર્ષે 550 મહિલાઓ પર બળાત્કાર થાય છે. દર મહિને 45 મહિલાઓ દુષ્કર્મનો ભોગ બને છે. અને 100 મહિલાઓ પર હુમલાઓ થાય છે. વિધાનસભામાં કહેવાયું છે કે, દેશમાં ક્રાઈમ રેટ 4.8 છે, ગુજરાતમાં 1.8 ટકા છે. અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતમાં ગુનાઓનો દર ઓછો છે. બળાત્કારના 11 આરોપીઓને ફાંસીની સજા અને 68 આરોપીઓને આજિવન કેદની સજા આપવામાં આવી છે.