Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત ગુજરાતમાં નદીઓને ‘લોકમાતા’ કહેવાની ફેશન છે! અને તળાવો વિષે લોકો અહોભાવ પ્રગટ કરતાં હોય છે. પરંતુ રાજયમાં નદીઓ અને તળાવોની ખરેખર સ્થિતિ શું છે ?! એ પ્રશ્નનો જવાબ ખુદ સરકારના એક રિપોર્ટમાં છે. અને આ રિપોર્ટ વિધાનસભામાં રજૂ થયો છે, જે સરકારના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કહે છે: રાજયમાં મોટાભાગની નદીઓ અને તળાવો પ્રદૂષિત છે. (તો, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ શું કરે છે ?!) આ રિપોર્ટમાં ચીલાચાલુ આંકડાઓ ટાંકવામાં આવ્યા છે. આ રિપોર્ટ સરકારી છે જેને કારણે ટાઢો રિપોર્ટ છે. કોઈ જ કડક વાત આ રિપોર્ટમાં કરવામાં આવી નથી ! પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા માત્ર કસરત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા કસૂરવારો વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહીઓ થઈ હોય એવું આ રિપોર્ટમાં નથી. આ રિપોર્ટ થોડા દિવસમાં પસ્તી બની જશે. અગાઉના આવા રિપોર્ટ હાલ પસ્તી છે !
રાજયની વડી અદાલત અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા અનેકવખત પ્રદૂષણ મુદ્દે સરકારનો કાન ખેંચવામાં આવ્યો છે. સ્થિતિ ચિંતાપ્રેરક અને યથાવત છે. આ પ્રકારના રિપોર્ટ તૈયાર થતાં રહે છે જેમાં લખેલું હોય છે કે કયા શહેરમાં દૈનિક કેટલો કચરો ઉત્પન્ન થાય છે. આ આંકડાઓનો કોઈ મતલબ નથી. રાજયનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ખુદ કશું કામ કરતું નથી. આમ છતાં સરકાર તરફથી બોર્ડને ઠપકો મળતો નથી. બોર્ડની કાર્યક્ષમતા વધતી નથી. આટલાં મોટા ઔદ્યોગિક રાજયમાં માત્ર 13,000 ઉદ્યોગકારોએ હવા પ્રદૂષણ નિયંત્રણ સાધનો પોતાના ઉદ્યોગમાં લગાડયા છે. જે પૈકી કેટલાં સાધનો ચાલુ અને કેટલાં બંધ ? એ આંકડાઓ જાહેર થતાં નથી. અને આ તો હવાની વાત છે, ઉદ્યોગકારો પાણી અને જમીનોને નિયમભંગ કરી પ્રદૂષિત બનાવે છે, તેનો હિસાબ જાહેર થવો જોઈએ. રાજ્યના લોકોના આરોગ્ય સાથે રમત રમવામાં આવી રહી છે ! અને બીજી તરફ સરકારી રિપોર્ટ તૈયાર થતાં રહે છે.