Mysamachar.in:ગાંધીનગર
ઘણાં લોકો એમ વિચારતાં હોય છે કે, આપણે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી, હવે ન્યાય મળી જશે. તેઓનો આ ભરોસો આંકડાઓ પર ખરો ઉતર્યો નથી! કારણ કે રાજયમાં હજારોની સંખ્યામાં FIR તો નોંધાય છે પરંતુ તે પૈકી માત્ર 7 જ ટકા ફરિયાદ એવી હોય છે જેમાં આરોપ સાબિત થઈ શકે છે ! બાકીના 93 ટકા કેસમાં શું થાય છે ?! એ પ્રશ્નનો જવાબ અત્રે લખવો જરૂરી છે ?! જો કે ઘણી ફરિયાદો ખોટી પણ હોય શકે છે.
સરકારનું રેકર્ડ એમ કહે છે કે, પોલીસકર્મીઓને FIR લખવાની તાલીમ આપવામાં જ નથી આવતી ! ફરિયાદ આડેધડ અને અધૂરી લખવામાં આવે છે. આરોપીઓ છટકી શકે એવી ફરિયાદો શા માટે નોંધાઈ રહી છે ? એ પણ સંશોધન અને તપાસનો વિષય લેખાવી શકાય. શા માટે ન્યાય નથી થતો ? શા માટે આરોપીઓ બચી જાય છે ? પોલીસ સ્ટેશનમાં નોકરીઓ કરતાં કર્મચારીઓને સજ્જડ ફરિયાદ નોંધવાની તાલીમ આપવામાં આવતી નથી ? અધિકારીઓ આ કર્મચારીઓને માર્ગદર્શન આપતાં નથી ?! અધૂરી ફરિયાદો અધિકારીઓ શા માટે ચલાવી લ્યે છે ?! આ આખો મામલો ‘ગોઠવણ’ હોવાની શંકાઓ વ્યક્ત થાય એવું વાતાવરણ કેમ છે ?!
રાજ્યના ગૃહ વિભાગે સજાનું પ્રમાણ 30 ટકા વધારવાનું લક્ષ્ય રાખ્ય છે. પરંતુ આ ટાર્ગેટ સિધ્ધ કરવું મુશ્કેલ છે. કેમ કે માત્ર સાત ટકા ફરિયાદમાં જ ગુના સાબિત થઈ રહ્યા છે ! પોલીસકર્મીઓ ફરિયાદ લખતાં શીખે, તે માટે તેઓને તાલીમ આપવાના નામે પાછલાં 4 વર્ષમાં કરોડો રૂપિયા વેડફી નાંખવામાં આવ્યા. પરિણામ મળતું નથી ! તાલીમ આપવામાં જ નથી આવતી ?! કે અન્ય કોઇ કારણ છે ?
રાજ્યના મોટાભાગના પોલીસ સ્ટેશનમાં અણઘડ અને રેઢિયાળ રીતે ફરિયાદ દાખલ કરવાનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે, ગુનેગારો કડક સજાથી અને સજાથી બચી શકવામાં સફળ થઈ રહ્યા છે! નબળી FIRને કારણે અદાલતોમાં આરોપીઓ સજાથી બચી જાય છે એવી કબૂલાત ખુદ ગૃહ વિભાગે આજથી ચાર વર્ષ પહેલાં કરેલી ! પછી તાલીમ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા, પછી પણ સ્થિતિ સુધરી નથી ! રાજયમાં સજાના દર સુધારવા અંગેના એક પ્રોજેક્ટમાં ખુદ ગૃહ વિભાગ કહે છે, રાજયમાં મોટાપાયે પોલીસ ભરતી પછી પણ સજાનો દર વધારી શકાયો નથી. હવે સરકાર કહે છે, આ બાબતે જરુર પડયે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે.