Mysamachar.in:ગાંધીનગર
રાજય સરકારે ઝવેરી પંચની ભલામણોને સ્વીકારી લીધી છે. હવે પછીથી કોર્પોરેશન, પાલિકાઓ અને ગ્રામ પંચાયતોથી માંડીને જિલ્લા પંચાયતો સુધીની ચૂંટણીઓમાં 27 ટકા બેઠકો OBC માટે અનામત રાખવાની થશે. આ ઉપરાંત આ તમામ સંસ્થાઓમાં પદાધિકારીઓની પસંદગીઓમાં પણ 27 ટકા OBC અનામત કવોટાનું પાલન કરવાનું થશે. આ માટે કાયદાઓમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. ગુજરાત સરકારનું આગામી વિધાનસભા સત્ર ત્રણ દિવસ માટે યોજાશે. આ ચોમાસુ સત્ર 13 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સત્રમાં OBC અનામત માટે કુલ ત્રણ કાયદામાં સુધારાઓ કરવામાં આવશે. જે ત્રણ કાયદાઓમાં સુધારાઓ થશે તેનાં નામો આ પ્રમાણે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, નગરપાલિકા અધિનિયમ અને પંચાયત એક્ટ.
રાજયમાં અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10 ટકા OBC અનામત હતી. દસ વર્ષ પહેલાં સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા એક ચુકાદા બાદ, ગત વર્ષે ગુજરાત સરકારે નિવૃત ચીફ જસ્ટિસ કલ્પેશ ઝવેરીના અધ્યક્ષસ્થાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC અનામતની મર્યાદા વધારવા સંબંધે પંચની રચના કરેલી. આ પંચની ભલામણોને રાજ્ય સરકારે તાજેતરમાં સ્વીકારી. સરકારના આ નિર્ણયથી રાજયની 8 મહાનગરપાલિકાઓ, 157 નગરપાલિકાઓ, 33 જિલ્લા પંચાયતો તથા 261 તાલુકા પંચાયતો અને 14,000 થી વધુ ગ્રામ પંચાયતોમાં OBC પ્રતિનિધિત્વ વધશે. 10 ટકા છે તે 27 ટકા થશે. એટલાં પ્રમાણમાં જનરલ કેટેગરીની બેઠકો ઘટશે.
હવે આ નિર્ણયના અમલ માટે આ બધી સંસ્થાઓનું નિયમન કરતાં ત્રણ અલગઅલગ કાયદાઓમાં સુધારાઓ કરવા માટે એક સંયુકત સુધારા વિધેયક લાવવામાં આવશે. જેનો મુસદ્દો હાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો. તે ઉપરાંત લેવામાં આવેલાં અન્ય નિર્ણયોમાં કોમન યુનિવર્સિટી એક્ટ, મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના માટે બે નવા કાયદા, GST અને વિદ્યુત શુલ્ક સંલગ્ન હૈયાત કાયદાઓમાં સુધારાઓ એમ કુલ મળી સાતેક કાયદાઓમાં સુધારાઓ લાવવા સરકારે ઇરાદો જાહેર કર્યો છે.