Mysamachar.in:ગાંધીનગર
ગુજરાત સમૃધ્ધ અને ધમધમતું રાજય હોવા છતાં રાજયમાં રોજગારી સંવેદનશીલ મુદ્દો છે કેમ કે દરેક યુવક અને યુવતીઓ આજિવીકા મેળવવા માટે નોકરીઓની તકો શોધતાં હોય છે કેમ કે વિકસિત રાજયમાં આર્થિક રીતે ટકી રહેવા નિયત અને નોંધપાત્ર માસિક આવક જરુરિયાત અને ગંભીર બાબત લેખાય. રાજયનાં યુવા અને શિક્ષિત વર્ગને સરકારનાં સંચાલનમાં જુદી જુદી ખાલી જગ્યાઓ પર ગોઠવવા સરકાર દ્વારા દર દસ વર્ષે સરકારી ભરતીઓનું કેલેંડર જાહેર કરવામાં આવે છે. છેલ્લે આ ભરતી કેલેંડર 2014માં જાહેર થયેલું. જેને નવ વર્ષ પૂર્ણ થઈ ચૂકયા છે. સરકારે નવું ભરતી કેલેંડર 2024માં જાહેર કરી દેવું જોઈએ એવું લાખો બેરોજગારો ઇચ્છે છે પરંતુ આ માટેની સરકાર સ્તરે ગતિવિધિઓ ઝડપથી થતી ન હોય, લાખો ઉમેદવારોમાં ઉચાટ છે. અને ઇંતજાર પણ છે.
આંકડા કહે છે કે, ભરતીઓ માટે કેલેંડર જાહેર થવા છતાં રાજયમાં બેરોજગારી ચિંતાનો વિષય છે ! કેમ કે, દર વર્ષે ઓછામાં ઓછાં 4 લાખ ઉમેદવારોને નોકરીઓની જરૂર હોય છે. જે પૈકી સરેરાશ દર વર્ષે 16-17 હજાર ઉમેદવારોને સરકારી નોકરીઓ પ્રાપ્ત થતી હોય છે. બાકીનાં યુવાઓએ ખાનગી ક્ષેત્રોમાં નોકરીઓની તકો શોધવી પડતી હોય છે. તેમાં વિશેષ સ્કીલની વિશેષ ડિમાંડ રહેતી હોય છે અને આ પ્રકારની સ્કીલ બધાં યુવાઓમાં નથી હોતી જેને કારણે બેરોજગારી ચિંતાનો વિષય બની ગયો છે. બીજી તરફ મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે.
પંચાયત અને પોલીસ સહિતનાં વિભાગોમાં નોકરીઓ મેળવવા લાખો લોકો આતુરતાથી સરકારનાં ભરતી કેલેંડરની રાહ જોઇ રહ્યા છે. આ લાખો યુવાઓ સરકારી પરીક્ષાઓની તૈયારીઓ કરતાં હોય છે. હાલમાં પણ સરકારમાં હજારો જગ્યાઓ ખાલી છે, આમ છતાં મોટાપાયે ભરતીઓ કરવા માટેની જાહેરાતો સરકાર તરફથી થતી ન હોય લાખો લોકો આ જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. સરકારે તાજેતરમાં શિક્ષણ જેવા આવશ્યક વિભાગમાં પણ કાયમી નોકરીઓ આપવાને બદલે સહાયકોની ભરતીઓ કરી હોય, યુવાઓમાં સરકારનાં વલણને લઈને સરકારી ભરતીઓ અંગે આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. યુવાઓ ઇચ્છે છે કે, સરકાર નવું ભરતી કેલેંડર જાહેર કરે.