Mysamachar.in:ગાંધીનગર
દરેક તાલુકામાં તથા જિલ્લાકક્ષાએ નિયમિત રીતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમો યોજાય છે. આમ છતાં નાનાં નાનાં પ્રશ્નો પૈકી ઘણાં પ્રશ્નો છેક રાજયકક્ષાએ પહોંચી જતાં હોય છે આથી મુખ્યમંત્રી ઉકળી ઉઠયા છે. તેઓએ આ મુદે સ્થાનિક તંત્રોને તાકીદ કરી ધ્યાન આપવા જણાવ્યું છે. રાજયનાં તમામ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને CM ભૂપેન્દ્ર પટેલએ સ્પષ્ટ તાકીદ કરવી પડી છે. તેઓએ કહ્યું: ખેડૂત ખાતેદારો સહિતનાં સામાન્ય નાગરિકોએ નાની નાની બાબતો માટે પોતાનાં કામોનાં નિકાલ માટે છેક રાજયકક્ષાએ આવવું ન પડે તે પ્રકારની સમસ્યા નિવારણ વ્યવસ્થા જિલ્લાકક્ષાએ સુનિશ્ચિત થવી જોઇએ.
અત્રે ઉલ્લેખનિય છે કે, સંપાદનમાં ગયેલી જમીનનું ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા, વળતર રકમની વિસંગતતા, જાહેર રસ્તા પર થયેલાં દબાણો હટાવવા જેવા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ જિલ્લાકક્ષાએ થઈ જાય તો સામાન્ય માણસને આવા કામો માટે છેક રાજયકક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવવું ન પડે. અત્રે ઉલ્લેખનિય છે કે, દર મહિનાનાં ચોથા ગુરુવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજયકક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ નિયમિત રીતે યોજાય છે. જેમાં કાલનાં કાર્યક્રમમાં 12 પ્રશ્નો રજૂ થયા હતાં. CM સમક્ષ રજૂ થયેલાં પ્રશ્નો આ પ્રમાણે હતાં : શહેરી વિકાસ, મહેસૂલ, પંચાયત, ગૃહ વિભાગ વગરેને લગતાં પ્રશ્નો. જાહેર રસ્તા પરનું દબાણ દૂર કરવા તથા રહેઠાણ નજીક ગટર તથા રોડ બનાવી આપવા જેવા પ્રશ્નો રજૂ થયા !