Mysamachar.in:ગાંધીનગર
રખડતાં પશુઓનો મુદ્દો વધુ એક વખત ગાજયો છે. રખડતાં પશુઓ મુદે રાજયભરનાં નાગરિકોમાં લાંબા સમયથી રોષ છે અને વડી અદાલતે ઘણીયે વખત આ મુદે રાજય સરકારને આકરાં ઠપકાઓ આપ્યા છે અને કડવા વેણ પણ કહ્યા છે. ભૂતકાળમાં સરકારે આ માટે આકરો કાયદો પણ બનાવ્યો હતો પરંતુ માલધારીઓનો વિરોધ જોઈ જેતે સમયે કાયદો સાઈડમાં મૂકી દીધો ! તાજેતરમાં વડી અદાલતે સરકારને ભાર દઈ જણાવ્યું કે, સમગ્ર રાજય માટે આ મુદે માર્ગદર્શિકા જાહેર કરો. ત્યારબાદ સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. પરંતુ સો મણનો સવાલ એ છે કે, આ માર્ગદર્શિકાનો સ્થાનિક તંત્રો અમલ કરાવી શકશે ?!
આ માર્ગદર્શિકા રાજયનાં શહેરી વિકાસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં પશુઓનો ત્રાસ વધતો હોય, જેનાં અટકાવ અને નિયંત્રણ માટે વધુ સઘન કાર્યવાહી કરવી જરૂરી છે. હાલ રાજયભરમાં પશુ ત્રાસ અટકાવ અને નિયમન માટે રખડતાં પશુઓ પકડવાની તથા નિયત દંડ/ચાર્જ ભરેથી પશુઓ માલિકોને પરત સોંપવાની કાર્યવાહી સંબંધિત શહેરોમાં કરવામાં આવે છે પરંતુ પશુમાલિકો આ પશુઓને છોડાવી લીધાં પછી પશુઓને ફરીથી રોડ પર રખડતાં મૂકી દે છે. જેનાં પરિણામે પશુઓનો ત્રાસ અટકતો નથી. અને નિયમન થતું નથી.
સરકારે નવી માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે, ઢોર માલિકોએ પશુઓ રાખવા અંગે પરમિટ લેવાની રહેશે. આ પરમિટ નિયત સમયે રિન્યુ પણ કરાવવાની રહેશે. જો પશુમાલિક પાસે પરમિટમાં દર્શાવેલ પશુથી વધુ પશુ માલૂમ પડશે તો, દંડ ભરવાનો થશે. પશુઓનો વેપારી ઉપયોગ કરનાર પશુમાલિકે લાયસન્સ લેવાનું રહેશે. ત્રણ વર્ષ માટે આપવામાં આવેલું લાયસન્સ રિન્યુ કરવાનું રહેશે. પશુદીઠ રૂપિયા 200 નોંધણી ફી ભરવાની રહેશે. દર વર્ષે અધિકારીએ આ તમામ બાબતોનું ઇન્સ્પેક્શન કરવાનું રહેશે.
લાયસન્સ તથા પરમિટ માટેની કામગીરી ઓનલાઈન તથા સિવિક સેન્ટર ખાતે થઈ શકે તે પ્રકારનો સોફ્ટવેર મહાનગરપાલિકાએ ડેવલોપ કરવાનો રહેશે. આ સોફ્ટવેર ઈ-નગર પોર્ટલ સાથે લિંક કરવાનો રહેશે. કોઇ પણ નવુ પશુ શહેરમાં લાવતાં પહેલાં કમિશનરની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. શહેરનાં દરેક પશુને RFID ચીપ તથા ટેગ લગાડવાનું રહેશે. આ કામગીરી બે માસમાં પૂર્ણ કરવાની રહેશે. આ માર્ગદર્શિકા પછીનાં 120 દિવસમાં ચીપ અને ટેગ લાગ્ય નહીં હોય તો એ પશુને પકડી લેવામાં આવશે. આ પશુ કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. આ પશુને શહેર બહાર મોકલી આપવાનું રહેશે. અને તેનાં માલિક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કાર્યવાહી થશે.
કોર્પોરેશને પશુઓની સંખ્યાને આધારે નવા ઢોર ડબ્બા બનાવવાનાં રહેશે. ડબ્બા આધુનિક અને સ્માર્ટ બનાવવાનાં રહેશે. કોર્પોરેશનને જરૂરી પોલીસ બંદોબસ્ત પૂરો પાડવાની જવાબદારી સિટી ડીવાયએસપીની રહેશે. ઢોર પકડવાની કામગીરીમાં ખલેલ પહોંચાડનાર વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવશે. ઘાસ વેચાણ માટે લાયસન્સ ફરજિયાત અને વેચાણનાં હિસાબો માટે રજિસ્ટર ફરજિયાત રહેશે. ઘાસચારો માત્ર ઢોર ડબ્બે જ આપી શકાશે, લોકો જાહેરમાં ઘાસ ખવડાવી શકશે નહીં.
પશુઓને કારણે કોઈને પણ ઇજા કે નુકસાન થાય તો તેનું વળતર પશુમાલિકોએ ચૂકવવાનું રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, પશુ નિયમન માટે ઘણાં કાયદાઓ, નિયમો અને જોગવાઈઓ છે. સ્થાનિક તંત્રો જાહેરનામાઓ પણ બહાર પાડે છે પરંતુ કોઈ બાબતની કયાંય અમલવારી થતી ન હોય, લોકોમાં રોષ છે. નારાજગી છે. ગુસ્સો છે. જોઈએ હવે, જામનગરમાં તંત્ર નવી માર્ગદર્શિકાનો કેવોક અમલ કરાવે છે.