Mysamachar.in:ગાંધીનગર
સરકારમાં કેટલાય અધિકારીઓ એવા છે કે જેને મન માત્ર પોતાની ફરજ છે અને કેટલાક અધિકારીઓ કર્મચારીઓ એવા છે જેને માલ એકઠો કરવામાં અને સમય પસાર કરવામાં જ રસ છે, કેટલાય તો એવા પેધી ગયા છે કે સામાન્ય અરજદારો તો ઠીક પણ ચુંટાયેલ ધારાસભ્યો સાંસદો સહિતનાઓને પણ ગાંઠતા નથી આવા કેટલાક બાબુઓની ફરિયાદ રાજ્ય સરકારમાં થતા સરકારે આ અંગે એક ખાસ પરિપત્ર જાહેર કરી અને અધિકારીઓને ફોન ઉપાડવાની તસ્દી લેવાનો હુકમ કર્યો છે.
પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે સાંસદો, ધારાસભ્યો, તથા પ્રજાના ચૂંટાયેલા અન્ય પ્રતિનિધિઓએ વિવિધ પ્રકારની બંધારણીય ફરજો બજાવવાની હોય છે. આથી સરકારના અધિકારીઓ – કર્મચારીઓ તેઓને તેમની કામગીરી બજાવવામાં સહાયભૂત થાય તે આશયથી સરકારએ વખતોવખત પરિપત્રોથી સૂચનાઓ પ્રસિધ્ધ કરેલ છે. જેમાં તેઓ સાથેના વ્યવહાર અંગે આચરવાની બાબતોનો સમાવેશ થાય છે.
સાંસદ તથા ધારાસભ્યો સહીત અન્ય પદાધિકારીઓ દ્વારા તેઓની કામગીરી અર્થે સરકારી અધિકારીઓ કર્મચારીઓ સાથે કચેરી સમય દરમ્યાન ફોન પર સંપર્ક કરવાના પ્રસંગે તેઓને યોગ્ય પ્રતિભાવ મળે તે જરૂરી છે પણ આવું થતું નથી, સાંસદ, ધારાસભ્યો વિધાનસભાના સભ્ય કે પ્રજાના ચૂંટાયેલા અન્ય પદાધિકારીઓ જેવા કે, જિલ્લા/તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપતિ કે મેયરનો સંપર્ક નંબર સેવ રાખવાનો રહેશે તેમજ તેમના દ્વારા સરકારી અધિકારીઓને કચેરી સમય દરમ્યાન તેમની કચેરીના લેન્ડ લાઈન ફોન ઉપર સંપર્ક કરે અને કોઈ સંજોગોમાં સંબંધિત અધિકારી જે તે સમયે ઉપસ્થિત ન હોય અથવા તો મીટીંગ કે અન્ય રીતે વ્યસ્ત હોય અને તેથી ચૂંટાયેલા પદાધિકારી સાથે વાત કરી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં આવા અધિકારીએ જયારે પણ તે કચેરીમાં પરત ફરે અથવા તો વ્યસ્તતામાંથી છૂટા થાય ત્યારે તુર્ત જ આવા ચૂંટાયેલા પદાધિકારીને સામેથી ફોન કરવો તેવી સ્પષ્ટ સુચના આ પરિપત્રમાં લખાઈ છે.
ચૂંટાયેલ પદાધિકારી જયારે સરકારી અધિકારીને તેમની કચેરીના ફોન ઉપર ફોન કરે ત્યારે તેમની ગેર હાજરીમાં ફોન ઉપાડનાર કર્મચારી ખાસ કરીને અધિકારીના અંગત મદદનીશ કે રહસ્ય સચિવ આ ફોનની નોંધ કરી તેની યાદી રાખશે, જે સંબંધિત અધિકારી કચેરીમાં આવે કે તુર્ત જ તેમના ધ્યાન પર આ નોંધની યાદી મુકવાની રહેશે, આ સુચનાઓનું ચુસ્તપણે અને યોગ્ય રીતે પાલન કરવા સચિવાલયના સર્વે વિભાગો અને જીલ્લા સ્તર સુધી સૂચનાઓ તો આપવામાં આવી છે પણ હવે અમલવારી કેટલી અને કેવી થશે તે જોવું રહ્યું.